તમને BP, ડાયાબિટીસ, થાયરોઇડ છે? એની દવાઓના ભાવમાં 11%નો વધારો, સસ્તા વિકલ્પો જાણી લો

1 એપ્રિલથી તાવ, શરદી-ઉધરસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અસ્થમા, ઇન્ફેક્શન, હાઈ બ્લડપ્રેશર, એનિમિયા, થાઇરોઇડ જેવી બીમારીઓના ઇલાજમાં પ્રિસ્ક્રાઇબ થતી દવાઓ મોંઘી થઈ ગઈ છે. પેરાસિટામોલ, ફેનોબાર્બિટોન, ફિનાઇટોઇન સોડિયમ, એઝિથ્રોમાઇસિન, સિપ્રોફ્લોક્સેસિન હાઇડ્રોક્લોરાઇડ, મેટ્રોનિડાઝોલ જેવી દવાઓની કિંમતોમાં પણ વધારો ઝીંકાયો છે. આ રીતે લગભગ 800 દવાની કિંમતોમાં 11% સુધી વધારો થયો છે.

નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ શિડ્યૂલ દવાઓમાં 10.9 ટકા ભાવવધારો કરવાની જાહેરાત કરી છે. જે દવાઓના ભાવ વધ્યા છે એ તમામ જરૂરી દવાઓની કેટેગરીમાં આવે છે. એન્ટીબાયોટિક્સ, એન્ટીઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, કાન-નાક-ગળાની દવાઓ, એન્ટીસેપ્ટિક્સ, પેઇનકિલર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ દવાઓ અને એન્ટીફંગલ દવાઓ પણ મોંઘી થઈ છે.

અત્યારે ઘરે ઘરે ડાયાબિટીસ, બ્લડપ્રેશરના દર્દીઓ થઈ ગયા છે. આવી સ્થિતિમાં જો આ બે બીમારીના દર્દી પણ ઘરમાં હોય તો તેમની દવાઓ મહિને પહેલેથી જ 4800 જેટલી કિંમતમાં પડતી હતી. હવે એમાં વધારાના 11 ટકા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

800 દવામાં આ કોમન દવાઓ પણ સામેલ છે:-

  • એઝિથ્રોમાઇસિન – ₹120
  • સિપ્રોફ્લોક્સેસિન – ₹41
  • મેટ્રોનિડાઝોલ – ₹22
  • પેરાસિટામોલ (ડોલો 650) – ₹31
  • ફેનોબાર્બિટોન – ₹19.02
  • ફિનાઇટોઇન સોડિયમ – ₹16.90

સસ્તી દવાઓ ક્યાં મળે?

  • ઘણા મેડિકલ સ્ટોરવાળા 15થી 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે, એની પસંદગી કરવી.
  • ઓનલાઇન 1 Mg, NetMeds, PharmEasy, LifCare, MyraMed જેવી વેબસાઇટ્સ પરથી ખાસ્સા ડિસ્કાઉન્ટેડ રેટથી દવાઓ ઘેરબેઠાં મગાવી શકાય છે.
  • ડૉક્ટરના પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી ડિસ્કાઉન્ટ વિના દવાઓ ન લેવી.
  • સરકારી હોસ્પિટલમાંથી સસ્તી દવાઓ મળી શકે.
  • મેડિકલ સ્ટોરમાંથી પણ બ્રાન્ડેડ અને જિનેરિક દવાઓ મળે છે. તમે સસ્તા જિનેરિક વિકલ્પો પર પસંદગી ઉતારી શકો છો.
  • સસ્તી દવાઓ માટે સરકારે જન ઔષધિ કેન્દ્ર ખોલ્યાં છે, જ્યાંથી સસ્તા દરે દવાઓ મળી શકે છે.

જિનેરિક દવાઓ બ્રાન્ડેડ જેટલી જ અસરકારક હોય?

  • આ સવાલનો જવાબ મેળવવા માટે ‘ગુજઅપડેટ્સ’એ ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવ સાથે વાત કરી.

સવાલઃ શિડ્યૂલ્ડ દવા એટલે શું?

ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવઃ ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી ન શકાય એવી દવાઓને શિડ્યૂલ્ડ દવાઓ કહે છે. એનું પ્રમાણ પણ ડૉક્ટર જ નક્કી કરે છે. એની કિંમતો કેન્દ્ર સરકારની પરવાનગી વિના વધારી શકાતી નથી. 1 એપ્રિલથી આ દવાઓના ભાવ 11 ટકા સુધી વધી ગયા છે, જે કેન્દ્ર સરકારની પરમિશન પછી જ વધ્યા છે.

ઓછી કિંમતે મળતી જિનેરિક દવાઓ કેટલી અસરકારક હોય?

ડૉ. બાલકૃષ્ણઃ એક ડૉક્ટર માટે દર્દીનું કાઉન્સેલિંગ સૌથી અગત્યનું હોય છે. એ પછી એ જિનેરિક દવાઓ આપે તોપણ એ અસર તો કરે જ. એક જ ફાર્માસ્યુટિકલ કંપની બ્રાન્ડેડ અને જિનેરિક એમ બંને પ્રકારની દવાઓ બનાવે છે. બંને સરખી જ અસરકારક હોય છે. તમારે દવા લેવાની સાથોસાથ લાઇફસ્ટાઇલમાં પણ પરિવર્તન કરવાં પડે.

જન ઔષધિ કેન્દ્રની માહિતી કઈ રીતે મળે?

અત્યારસુધીમાં દેશમાં 600 જન ઔષધિ કેન્દ્ર ખૂલી ચૂક્યાં છે. તમે ગૂગલ સર્ચ કરીને તમારી નજીકના જન ઔષધિ કેન્દ્રનું સરનામું આસાનીથી શોધી શકો છો. આવાં કેન્દ્ર શરૂ કરવા પાછળ સરકારનો આશય એ જ છે કે સસ્તી જિનેરિક દવાઓ પણ એટલી જ અસરકારક હોય છે. એમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી.

આ સિવાય બીજે ક્યાંયથી સસ્તી દવાઓ મળી શકે?

હા, ઘણી સેવાકીય સંસ્થાઓ (NGO) ફ્રીમાં દવાઓ આપતી હોય છે. આપ એવી NGO શોધીને ત્યાંથી દવાઓ લઈ શકો છો. આ ઉપરાંત Indiamart, 1 mg જેવી વેબસાઇટો પણ સસ્તી દવાઓ વેચે છે.

નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એટલે શું?

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની સ્થાપના 29 ઓગસ્ટ 1997ના રોજ કરવામાં આવી હતી. એનું મુખ્ય કામ દેશમાં દવાઓના ભાવને નિયંત્રિત કરવાનું છે. આ સંસ્થા મિનિસ્ટ્રી ઓફ કેમિકલ પ્રોડક્ટ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સના નેજા હેઠળ કામ કરે છે.

દવાઓની કિંમત શા માટે વધારવી પડી?

રૉ મટીરિયલ (કાચો માલ) મોંઘો થવાને કારણે નોન શિડ્યૂલ્ડ દવાઓ પહેલેથી જ મોંઘી થઈ ચૂકી છે. આ રૉ મટીરિયલના ભાવ કંટ્રોલ કરવાનું સરકારના હાથમાં નથી હોતું. શિડ્યૂલ્ડ દવાઓની કિંમતો સરકાર હોલ સેલ પ્રાઇસ ઇન્ડેક્સને આધારે નક્કી કરે છે. શિડ્યૂલ દવાઓના રેટ પર સરકારનો કંટ્રોલ હોય છે. ગયા વર્ષે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 10.7 હતો. એને કારણે 800 દવા પર 10%થી 12% સુધીનો વધારો થયો. સરકાર જે કિંમત નક્કી કરે છે એ એક વર્ષ સુધી જ ફિક્સ રહે છે.