સોના-ચાંદીની માંગ આગામી નાણાવર્ષે 600-650 ટન રહેશે

  • સોનાની કિંમત 50,000 રૂપિયા ઉપર સ્થિર રહે તો માંગ વધશે: ક્રિસિલ
  • દેશમાં થતી જેમ્સ-જ્વેલરીની નિકાસમાં પણ ઝડપી વૃદ્ધિ

દેશમાં હવે કોવિડ મહામારીની અસર ઘટતા હવે અર્થતંત્રમાં ફરીથી તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. સર્વિસ સેક્ટર સહિત મોટા ભાગના સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે અને બીજી તરફ હવે દેશમાં સોના-ચાંદીના ઝવેરાતની માંગ પણ સતત વધી રહી છે.

એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં દેશમાં સોનાના ઝવેરાતોની માંગ 600-650 ટન સુધી પહોંચવાની શક્યતા છે. આ ટકાવારી કોવિડ પૂર્વેના સ્તરથી 8-10 ટકા વધુ છે. ક્રિસિલ રેટિંગ્સના એક રિપોર્ટમાં આ અનુમાન કરવામાં આવ્યું છે.

ક્રિસિલ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં સોના-ચાંદીની ઝવેરાતના વેપારીઓની આવક પણ 12-15 ટકા વધશે. સોનાની કિંમત 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર સ્થિર રહેવાની વચ્ચે માંગ ધીરે ધીરે વધી રહી છે.

31 માર્ચના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ જ્વેલરી રિટેલરોની આવક 20-22 ટકા વધશે. દેશના 82 જ્વેલરી રિટેલરોના બિઝનેસના વિશ્લેષણ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

યુક્રેન-રશિયા ક્રાઇસીસ છતાં સોનાની કિંમતોમાં ધારણા મુજબનો સુધારો આવ્યો નથી. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદર વધુ વધરાશે તો સોનામાં ભાવ ઘટી શકે છે. નિષ્ણાતોના મતે સોનામાં હવે તેજીની સાયકલ પૂરી થવામાં છે. ચાંદી પણ નજીવી રેન્જમાં રહેશે.

પહેલા ક્વાર્ટર બાદ બજારમાં રોનક જોવા મળશે

  • ક્રિસિલ રેટિંગ્સના સીનિયર ડાયરેક્ટર અનુજ સેઠીએ કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્વને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત વધીને 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી થઇ હતી. સ્થિતિ સુધરવાના આશાવાદને કારણે હાલમાં કિંમતોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આગામી સમયમાં પણ આ પ્રકારનો ઉતાર-ચઢાવ જોવા મળશે તો નવા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સોનાના ઝવેરાતોનો વેપાર મંદ રહી શખે છે. જો કે આ બાદ લગ્નસરાની મોસમ શરૂ થવાને કારણે ફરીથી માંગ વધે તેવી સંભાવના છે.