12 વર્ષથી નાના બાળકોને કોરોના વેક્સિન નહીં અપાય

  • પણ… 12 વર્ષ સુધીના જે બાળકોને પહેલેથી કોઇ ગંભીર બીમારી હોય તેમને વેક્સિન અપાઇ શકે છે
  • વેક્સિનેશન અંગે ટૂંકમાં માર્ગદર્શિકા જારી થશે
  • એક્સપર્ટ કહે છે – બાળકો સંક્રમણથી બીમાર નથી પડતા; જેથી વેક્સિન પણ જરૂરી નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી નાના બાળકોને કોરોના વેક્સિન ન આપવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે હજુ આદેશ જારી નથી થયો પણ સૂત્રોના જણાવ્યાનુસાર હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થઇ ચૂક્યો છે. વેક્સિન બનાવનારી બે કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને બાયોલોજિકલ-ઇએ 12 વર્ષથી નાના બાળકોને પોતાની રસી આપવા સરકારની મંજૂરી માગી છે.

બંને કંપનીએ બાળકો પર ટ્રાયલનાં પરિણામ પણ સરકારને આપ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે નિષ્ણાતો સાથે ચર્ચા કરી, જેમાં સામે આવ્યું કે દેશમાં 12 વર્ષથી નાના બાળકો કોરોનાની ત્રણેય લહેરમાં સંક્રમિત તો થયાં પણ તેમનામાં ગંભીર લક્ષણ નહોતાં દેખાયાં તેથી તેમને વેક્સિન આપવી જરૂરી નથી.

16 માર્ચથી દેશમાં 12થી 14 વર્ષનાં બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. 1.6 કરોડ બાળકોને પહેલો ડોઝ અપાયો છે.

નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશને (એન્ટાગી) સરકારને સલાહ આપી શકે છે કે, ગંભીર બિમારીથી પીડિત 12 વર્ષથી નાના બાળકોને જ વેક્સિન અપાય. 16 માર્ચથી દેશમાં 12થી 14 વર્ષનાં બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. 1.6 કરોડ બાળકોને પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 15-17 વર્ષના 5.71 કરોડ કિશોરોને પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે.

ડૉ. સંજય રાય, કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એઈમ્સ દિલ્હી

  • બાળકોને વેક્સિન આપતા પહેલાં વૈજ્ઞાનિક આધાર જણાવવો જોઈએ. દુનિયાભરમાં ક્યાંય પણ નાના બાળકોને વેક્સિનની જરૂર નથી. કેમ કે વેક્સિન સંક્રમણની ગંભીરતાથી બચાવે છે, સંક્રમણથી નહીં. અત્યાર સુધી બાળકોમાં સંક્રમણનાં ગંભીર લક્ષણો દેખાયાં નથી. કોરોનાથી બાળકોનાં મૃત્યુ પણ લગભગ શૂન્ય છે એટલા માટે તેમને વેક્સિન આપવી યોગ્ય નથી.

ડૉ. રમણ ગંગાખેડકર, પૂર્વ વિજ્ઞાની, આઈસીએમઆર

  • હું તો કહીશ કે 12થી 14 વર્ષનાં એ જ બાળકોને વેક્સિન આપવી જોઈએ જેમને કોઈ ને કોઈ ગંભીર રોગ હોય. બાકી બાળકોને તેની જરૂર નથી. આમ પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે વેક્સિન સંક્રમણ અટકાવતી નથી પણ સંક્રમણ થયા બાદ બીમારીની ગંભીરતા ઘટાડે છે. તો પછી બાળકોને વેક્સિન આપવાની શું જરૂર છે?