6-12 વર્ષનાં બાળકો માટે કોરોના વેક્સિનને આપવામાં આવી મંજૂરી, જાણો સમગ્ર પ્રક્રિયા

કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે બાળકોમાં પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે. બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત અનેક જગ્યા પર સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. આ વચ્ચે DCGI એ બાળકોની વેક્સિનને મંજૂરી આપી છે.

6-12 વર્ષનાં બાળકો માટે Covaxi ની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે Zycov-D વેક્સિનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

આવો જાણીએ વેક્સિનથી જોડાયેલી જાણકારી

વેક્સિનનો ઇમરજન્સી ઉપયોગનો મતલબ

વિશેષજ્ઞ ડો.ચંદ્રકાંત લહારિયા પાસેથી જાણીએ 2 વાત

 • હજુ સુધી બાળકોથી લઈને મોટેરાઓને જેટલી પણ કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે એ બધી વેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે જ મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન આવી કોઈપણ રસીને સંપૂર્ણ અધિકૃતતા મળી નથી. આ બધી વેક્સિન ઝડપી પ્રક્રિયામાંથી બનાવવામાં આવી છે, તેથી ‘ઇમરજન્સી યુઝ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • 6થી 12 વર્ષનાં બાળકોની વેક્સિનને લઈને એ પણ સમજવાની વાત છે કે હજુ ફક્ત વેક્સિનને જ મંજૂરી આપવામાં આવી છે, સરકારે હજુ સુધી કોઈ મંજૂરી નથી આપી. જ્યાં સુધી આ વેક્સિનને સરકાર મંજૂરી નથી આપતી, બાળકોને ત્યાં સુધી વેક્સિન લગાડવામાં નહીં આવે. સરકાર વેક્સિનની મંજૂરી આપતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખશે કે બધાં જ બાળકોને વેક્સિન આપવામાં આવશે, જે ગંભીર રીતે પીડિત છે તેમને પહેલા આપવામાં આવે.

બાળકોને વેક્સિન કયારે અને ક્યાં લગાવવામાં આવશે ?

6થી 12 વર્ષનાં બાળકોને ક્યારે અને ક્યાં લગાવવામાં આવશે, એતે વાતની કોઈ જાણકારી સામે આવી નથી. હાલ તો 12-14 વર્ષનાં બાળકોને Corbevax વેક્સિન આપવામાં આવી રહી છે. 15-15 વર્ષનાં બાળકોને Covaxin ના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ બાળકોને સ્લોટ બુકિંગ મુજબ નજીકના સેન્ટર પર વેક્સિન લગાવવામાં આવી રહી છે.

વેક્સિન માટે રજિસ્ટ્રેશન જરૂરી છે ?

જો તમારા ઘરમાં 12થી 14 વર્ષનાં બાળકો છે તો તેમને વેક્સિન લગાવવા માટે તમારે CoWIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

12થી 14 વર્ષનાં બાળકોનું વેક્સિન માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

 • આ માટે સૌ પહેલા મોબાઈલ અથવા લેપટોપ પર CoWIN એપ ખોલો
 • આ બાદ Register/Sign in/Login ઓપ્શન પર ક્લિક કરો.
 • આ બાદ એમાં મોબાઈલ નંબર નાખીને Login કરો
 • મોબાઈલ પર આવેલા OTP એમાં ટાઈપ કરો
 • હવે તમારો પિનકોડ નંબર લખો
 • તમારા નજીકના વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ જોવા મળશે.
 • હવે એમાં બાળકોની ડિટેલ માગવામાં આવશે, જેમાં નામ અને ઉંમર ટાઈપ કરો
 • બાળકોના આઈડી તરીકે આધારકાર્ડ નંબર આપી શકો છો
 • જો આધારકાર્ડ ના હોય તો સ્કૂલ આઈડી કાર્ડની ડિટેલ ટાઈપ કરો
 • છેલ્લે, તમારી અનુકૂળતા મુજબ તારીખ અને સમય પસંદ કરો અને સ્લોટ બુક કરો.
 • સ્લોટ બુક કર્યા બાદ મોબાઈલ પર મેસેજ આવશે.

12-14 અને 15-17 વર્ષનાં બાળકો માટે વેક્સિન લગાવવા માટે પૈસા આપવા પડશે ?

સરકાર દ્વારા બાળકોને પણ ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે.

કેટલા દિવસના અંતરમાં લગાવવામાં આવશે વેક્સિન

 • Corbevaxના 2 ડોઝ લગાવવામાં આવશે. બંને ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર હશે.
 • Corbevaxના પણ 2 ડોઝ લગાવવામાં આવશે. બંને ડોઝ વચ્ચે 28થી 40 દિવસનું અંતર હશે.
 • Zycov-D વેક્સિન આમ તો ત્રણ ડોઝની છે. પહેલા ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો અને બીજા ડોઝના 56 દિવસ બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે, પરંતુ હાલમાં તો બાળકોને 2 જ ડોઝ આપવામાં આવશે.

અત્યારસુધી 12.66 કરોડ બાળકો વેક્સિનેટેડ થઈ ચૂક્યાં છે

 • બાળકોને કોરોના રસી લગાવવાની શરૂઆત 3 જાન્યુઆરી 2022થી શરૂ થઇ હતી.
 • શરૂઆતના સમયમાં Covaxin વેક્સિન માત્ર 15-17 વર્ષની વયનાં બાળકોને જ આપવામાં આવતી હતી.
 • 12 વર્ષથી ઉપરનાં બાળકોનું રસીકરણ 16 માર્ચથી શરૂ થયું હતું.
 • 12-14 વર્ષનાં બાળકોને 2.7 કરોડ પ્રથમ ડોઝ અને 37 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
 • 15-18 વર્ષની વય જૂથનાં બાળકોને 5.82 કરોડ પ્રથમ ડોઝ અને 4.15 કરોડ બાળકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.