કેસ નોંધાયો; ખેડૂતોએ રખેવાળી માટે રાખ્યા 50 લાકડીધારી ચોકીદાર, રોજનો થાય છે 22 હજાર રૂપિયાનો ખર્ચ

લીંબુ હાલ સામાન્ય માણસની ખિસ્સા નિચોવી રહ્યાં છે. એના ભાવ આસમાનને આંબી રહ્યા છે, ત્યારે હવે લીંબુની લૂંટ પર શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં કોઈ બગીચામાંથી લીંબુની ચોરીનો પહેલો કેસ કાનપુરમાં નોંધાયો છે. અહીંના બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.

મુખ્યાલયથી લગભગ 15 કિમીના અંતરે આવેલા બિઠૂરમાં ગંગા કિનારે મોટા પ્રમાણમાં લીંબુની ખેતી કરવામાં આવે છે, ત્યારે એના ભાવ વધવાની સાથે હવે એની દેખરેખ માટે ખેડૂતોએ લાકડીધારીઓને તહેનાત કર્યા છે. દરરોજ બગીચાની રખેવાળી માટે 50 ચોકીદાર રાખવામાં આવ્યા છે, જેની પાછળ 450 રૂપિયાના દરે દરરોજ 22 હજાર 500 રૂપિયાનો ખર્ચ થાય છે.

બે જિલ્લામાં લીંબુની ચોરી થઈ હતી

આ પહેલાં શાહજહાંપુર અને બરેલીમાં લીંબુની ચોરીનો કેસ સામે આવ્યો હતો. બરેલીની ડેલાપીર મંડીમાંથી ગત રવિવારે 50 કિલો લીંબુની ચોરી થઈ હતી. તો શાહજહાંપુરમાં બજરિયા શાકભાજી મંડીમાંથી 60 કિલો લીંબુ ચોરાયાં હતાં, સાથે ચોર 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણ પણ લઈ ગયા હતા.

શિવદિન પુરવાના અભિષેક નિષાદે બુધવારે લીંબુ ચોરીની FIR લખાવી હતી.

3 વીઘા બગીચામાં લીંબુની ચોરી

શિવદિન પુરવાના અભિષેકે લીંબુ ચોરીની FIR લખાવી છે. અભિષેકે જણાવ્યું હતું કે તેમના 3 વીઘા બગીચામાંથી 3 દિવસની અંદર ચોર લગભગ 15 હજાર લીંબુ તોડી ગયા છે. ચોરીની ઘટનાને કારણે અભિષેકે લીંબુ સંપૂર્ણપણે તૈયાર નહીં થાય ત્યાં સુધી બાગમાં જ પોતાનો વસવાટ કરી લીધો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ખેડૂતો હવે લાકડી-કુહાડી લઈને બગીચાની રખેવાળી કરી રહ્યા છે.

લીંબુની ચોરી અટકાવવા આખી રાત જાગવું પડે છે

ખેડૂતોના જણાવ્યા મુજબ, લીંબુના ભાવ વધ્યા બાદ ચોરી કરીને લીંબુ તોડનારની સંખ્યા વધી ગઈ છે. હવે લીંબુની રખેવાળી માટે આખી રાત જાગવું પડે છે. તો મોટા બગીચાઓમાં લાકડીધારી ચોકીદાર રાખવામાં આવ્યા છે, જેઓ સતત ધ્યાન રાખી રહ્યા છે.

બિઠૂર અને આજુબાજુના વિસ્તારોમાં 2 હજાર વીઘા જમીનમાં લીંબુના બગીચા છે.

2 હજાર વીઘામાં થાય છે લીંબુ

કાનપુરના ચૌબેપુર, બિઠૂર કટરી, મંધના, પરિયરમાં લગભગ 2 હજાર વીઘા જમીન પર લીંબુના બગીચા છે. આ પહેલી વખત છે કે લીંબુના બગીચામાં રખેવાળી કરવી પડી રહી છે. કાનપુરમાં લીંબુના ભાવની વાત કરીએ તો 15 રૂપિયામાં 2 લીંબુ વેચાય છે, જ્યારે જથ્થાબંધમાં 300 રૂપિયા કિલો લીંબુ વેચાય રહ્યા છે.