ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એન્ટીઇન્કમબન્સી ખાળવા ભાજપની સ્ટ્રેટેજી, 100 જેટલા MLAની ટિકિટ કપાશે, બેઠક દીઠ 12થી 13 નામોની વિચારણા

  • સરકાર, સંગઠન અને મતવિસ્તારની કામગીરીની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે

ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કમલમ ઓફિસથી અંતરિયાળ વિસ્તારના ગામડાં સુધી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ભાજપ માટે આ ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં રિપીટ-નો રિપીટની નારાજગીની સાથે એન્ટી ઇન્કમબન્સી(સત્તા વિરોધી જુવાળ)નો પણ પડકાર છે. તે સમયે ભાજપ દ્વારા એક એક ધારાસભ્યની કામગીરીની પ્રોફાઈલ સાથે સંભવિત નવા ઉમેદવારની ઓળખની પણ કુંડળી મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. જો ભાજપ આખે આખી સરકાર બદલી શકતો હોય તો ધારાસભ્યો બદલવા કોઈ મોટી વાત નથી. જે રીતે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું હતું એ જ પેટર્ન પર આગામી ચૂંટણીમાં મોટાભાગના ચહેરા સાવ નવા હશે.

આ વિધાનસભા ચૂંટણીમાં 90 ટકા ધારાસભ્યોની ટિકિટ કપાવાની પુરી સંભાવના છે. એક વિધાનસભા બેઠક પર 12થી 13 નામોની વિચારણા કરવામાં આવે એવી શક્યતા છે.

150 બેઠકનો ટાર્ગેટ હાંસલ કરવા માટે તનતોડ મહેનત:-

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182નો લક્ષ્યાંક રાખ્યો છે પણ 150 બેઠકોનો વાસ્તવિક ટાર્ગેટ હાંસલ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. તેમાં પણ ભાજપને સૌથી મોટો ભરોસો પેજ પ્રમુખ અને પેજ સમિતિ પર છે, જેથી ભાજપ પ્રમુખથી માંડીને પ્રદેશ નેતાઓ, જિલ્લા, તાલુકા, શહેરના આગેવાનોને તમામ 182 બેઠકોના બધા જ બુથ સુધી પેજ પ્રમુખની કાર્યવાહી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.

પક્ષની આંતરિક સ્થિતિ સાથે વિપક્ષની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત:-

આ ઉપરાંત 2017ની ચૂંટણીના પરિણામોના એનાલિસિસ સાથે 2022માં ભાજપ સરકાર અને સંગઠનની ખૂબીઓ અને ખામીઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ ચૂંટણીમાં સત્તા વિરોધી જુવાળ ઉપરાંત પક્ષની આંતરિક સ્થિતિની સાથે વિપક્ષની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ધારાસભ્યોની કામગીરીની પ્રોફાઇલ તૈયાર કરી:-

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પણ અતિ મહત્વની હોવાથી ભાજપ પ્રમુખ સહિતની તેમની પ્રદેશની કોર ટીમ દ્વારા ભાજપના વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોની સરકાર, સંગઠન અને મતવિસ્તારની કામગીરીની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે નવા ઉમેદવારની પસંદગી માટેના નામોની યાદી જે તે વિધાનસભા વિસ્તારમાંથી મેળવીને તેની પણ ઓળખની સાથે સામાજિક, રાજકીય અને પ્રજા સાથેના સંબંધોની કુંડળી મેળવવામાં આવી રહી છે.

ભાજપમાં લાવવા કોંગ્રેસના ધારાસભ્યોના કામોની પણ ચકાસણી:-

ભાજપે શરૂ કરેલી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પોતાના પક્ષ અને સરકારની સાથે વિપક્ષ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોના મતદારો સાથેના સંપર્કો, તેમના કામોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસથી નારાજ અને ભાજપમાં જોડાઈ શકે તેવા ધારાસભ્યો તરફ વધુ નજર રાખવામાં આવી રહી છે. સમય આવ્યે આવા અસંતુષ્ટ ધારાસભ્યોને ભાજપમાં ભરતી કરવાની પણ તૈયારી ચાલી રહી છે.

ઉમેદવારોની પંસદગીમાં પાટીલ અને આનંદીબેનનો પણ મહત્વપૂર્ણ રોલ:-

હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વન-મેન-આર્મીની જેમ સરકાર અને ભાજપ વચ્ચે સંકલન કરી રહ્યા છે અને ઉમેદવારની પસંદગી કરવામાં તેમની મોટી ભૂમિકા હશે. અત્યારથી જુના અનેક કપાશે તેવી યાદી બની રહી હોવાનું જાણવા મળ્યું છે, પક્ષના સૂત્રો કહે છે કે ઉતરપ્રદેશના રાજયપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉમેદવારોની પસંદગીમાં ભૂમિકા ભજવશે.

60થી વધુ વર્ષની ફોર્મ્યુલા લાગુ કરે તો દિગ્ગજોની ટિકિટ કપાઇ શકે:-

તેમજ 60થી વધુ વર્ષના નેતાઓને પણ ટિકિટ ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો આ ફોર્મ્યુલા અજમાવવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા સહિતના દિગ્ગજોની ટિકિટ કાપવી પડે.

પાટીલે કહ્યું હતું 100 નવા ચહેરાને ટિકિટ અપાશે:-

પાંચ મહિના પહેલા પ્રદેશ પ્રમુખ પાટીલે હિંમતનગરમાં નિવેદન આપ્યું હતું કે, 100 નવા ચહેરાને ટિકિટ આપવામાં આવશે. એકથી વધુ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા MLAના પત્તાં કપાશે તેવો સંકેત આપતા પાટીલે કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યો નિવૃત્ત પણ થવાના છે, અને 70 નવા શોધવાના છે. મતલબ કે, 100 તો નવા ચહેરા થઈ જ જશે.