2017માં ઓછા માર્જિનથી જીતેલી 20 બેઠકનાં 15 હજાર જેટલાં મતદાન બૂથ મજબૂત કરી રહ્યો છે ભાજપ

  • આવાં મતદાન બૂથો પર પ્રદેશ કક્ષાથી સીધું મોનિટરિંગ થઈ રહ્યું છે, સામાજિક આગેવાનો અને સાધુ-સંતોનો લેવાઈ રહ્યો છે સાથ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટને પૂરો કરવા માટે ભાજપે ખાસ સ્ટ્રેટેજી બનાવી છે, જેમાં 20થી વધુ બેઠકો, જ્યાં ભાજપે સૌથી ઓછા માર્જિનથી જીત મેળવી હતી. આવી બેઠકોમાં આવતાં 15 હજાર જેટલાં મતદાન બૂથોને મજબૂત કરવા માટે પ્રદેશ કક્ષાથી ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

એક-એક સીટની પેજ સમિતિ પર ચર્ચા

ગુજરાત ભાજપે 150 બેઠકનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કમર કસી છે. કોંગ્રેસની જીતવાળી બેઠકોમાં આવતાં 20 હજારથી વધુ બૂથોને મજબૂત કરવાનો પ્લાન બનાવ્યો છે, સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોને પણ ભાજપમાં લેવા માટેનો સમાંતર પ્લાન બનાવ્યો છે. હાલ એક-એક સીટની પેજ સમિતિ પર ચર્ચા ચાલે છે અને નબળાં બૂથોની યાદી અલગ તારવવામાં આવી રહી છે.

તસવીર પ્રતિકાત્મક છે

20થી વધુ સીટો પર જીતનું માર્જિન ઓછું હતું

ખાસ કરીને 2017ની ચૂંટણીમાં જે મતદાન બૂથો પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું એવાં બૂથોને મજબૂત કરવામાં આવી રહ્યાં છે, સાથે 20થી વધુ એવી સીટો, જ્યાં ભાજપે જીતીને હાંસલ કરી હતી, પણ ત્યાં જીતનું માર્જિન ઓછું હતું. એવાં 15 હજાર કરતાં વધુ બૂથોને મજબૂત કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ચૂંટણી પહેલાં 10 જેટલા કૉંગ્રેસના મજબૂત ધારાસભ્યોને હજુ પણ ભાજપમાં લાવવાનો પ્લાન છે.

ભાજપની જીતમાં મુખ્ય ભૂમિકા મેનેજમેન્ટની

સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભાજપની જીતમાં મુખ્ય ભૂમિકા મેનેજમેન્ટની છે. આ બૂથો પર સામાજિક આગેવાનો, સાધુ-સંતોની મદદ લેવાઈ રહી છે. થોડા દિવસ પહેલાં પ્રદેશ અઘ્યક્ષ, સંગઠન મંહામંત્રી રત્નાકરજી સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં સંઘના પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. એમાં ગુજરાતની રાજકીય અને સામાજિક સ્થિતિ બાબતે ચર્ચા થઇ હતી. એમાં 182 સીટો કઇ રીતે જીતી શકાય એને લઈને રણનીતિ નક્કી કરાઈ છે.

તસવીર પ્રતિકાત્મક છે

કોંગ્રેસના ધારાસભ્યોને ખેંચવા વ્યૂહરચના બની

ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી ભાજપનું જ શાસન હોવા છતાં કેટલીક બેઠકો પર કોંગ્રેસ સતત જીત મેળવી રહી છે, જેથી ભાજપની નજર પણ આ બેઠકો પર છે, પરંતુ આ બેઠકો પર ભાજપના ગમે તે ઉમેદવાર ઊભા રાખ્યા તોપણ જીતી શક્યા નથી, જેથી ભાજપે આવા કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો, જેમને ભાજપના નેતાઓ નહીં હરાવી શક્યા તેવા જનાધારવાળા કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં કઈ રીતે લાવી શકાય એને લઇને મંથન કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા આવા કોંગ્રેસના ધારાસભ્યોને લેવા માટે અનેક પ્રકારની રીતો-વ્યૂહરચના અપનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના આ ધારાસભ્યોને મનાવવા માટે સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓને પણ કામે લગાડી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

2017માં ભાજપ હારેલા ઉમેદવારોનું એનાલિસિસ

આ ઉપરાંત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછી માત્ર 99 બેઠક જ મળી હતી, જેમાંથી બોધપાઠ લઇને તેણે પ્રમુખ અને હાઇકમાન્ડ દ્વારા 2022ની ચૂંટણીનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે, ખાસ કરીને 2017માં ભાજપ હારેલા ઉમેદવારોની સાથે કોંગ્રેસના ઉમેદવાર કેમ જીત્યા હતા એનું એનાલિસિસ કરવામાં આવે છે, જેમાં આવા માઇનસ બૂથને આઇડન્ટિફાય કરી આ બૂથ પર માઇક્રોપ્લાનિંગ કરવા પક્ષના કેટલાક ચોક્કસ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.