એક સમયે લોથલની નજીક સમુદ્ર હતો, આજે 23 કિલોમીટર દૂર જતો રહ્યો છે; વિશ્વનું પહેલું ડોકયાર્ડ હતું લોથલ

  • લોથલ એવી સાઇટ છે, જ્યાં આર્કિયોલોજી ઉપરાંત જિયોલોજિકલ રિસર્ચ પણ થયું

યાદ છે ને… ભણવામાં આવતું કે ગુજરાતના લોથલમાં હડપ્પન સંસ્કૃતિના લોકો રહેતા હતા અને એ લોકો હિજરત કરી ગયા. એ વખતે પણ હોશિયાર સ્ટુડન્ટને પ્રશ્ન થતો કે લોથલમાં રહેતા લોકો શા માટે હિજરત કરી ગયા હશે ? આખેઆખું ગામ ખાલી કરીને જવાની કેમ ફરજ પડી ? આનું કારણ શોધવા કેટલાંક રિસર્ચ અગાઉ પણ થયાં છે, પરંતુ તાજેતરમાં જે રિસર્ચ થયું એ લોથલ અને સમુદ્રના જળસ્તર પર થયું. લોથલ પર અનેક આર્કિયોલોજી અંગેનાં સંશોધનો થયાં, પણ જિયોલોજી રિસર્ચ આ જગ્યાએ પહેલીવાર થયું છે.

લોથલ પરના અવશેષોની તસવીર.
લોથલ વસાહતના અવશેષની તસવીર.
લોથલની હડપ્પન સંસ્કૃતિના કૂવાના અવશેષ.
એ સમયની કેનાલ પુરાવો આપે છે કે એ સમયે લોથલ ડોકયાર્ડ હતું.

આ રિસર્ચ પરથી ખ્યાલ આવ્યો કે લોથલમાં હજારો વર્ષ પહેલાં રહેતા લોકો સમુદ્ર માર્ગે વેપાર કરતા હતા. ઈસવીસન 4200 વર્ષ આસપાસ લોથલથી સમુદ્ર પાછળ તરફ જવાની શરૂઆત થઈ. કાળક્રમે સમુદ્ર પાછળ ખસતો ગયો અને આજે લોથલથી સમુદ્ર 23 કિલોમીટર દૂર ચાલ્યો ગયો છે. અલબત્ત, 4200 વર્ષ આસપાસ તો ભયાનક દુકાળ પણ ચાલી રહ્યો હતો અને એને કારણે લોથલથી સમુદ્રને જોડતી નદીઓ સૂકાઈ ગઈ હતી. કાળક્રમે અનેક પરિવર્તનો થતાં સમુદ્ર દૂર જતો રહ્યો અને દરિયાઈ માર્ગનો વેપાર બંધ થયો. આ કારણોથી લોથલમાં રહેતા લોકો હિજરત કરી ગયા હશે એવું માનવામાં આવે છે. લોથલ પરથી સમુદ્ર માર્ગે મોટા પાયે વેપાર થતો હતો. એક સમયે લોથલથી સમુદ્રના પાણીનું સ્તર 1.2 મીટર ઊંચાઈ પર હતું, પણ કાળક્રમે સમુદ્ર લોથલથી દૂર જતો રહ્યો અને વિશ્વનું પહેલું ડોકયાર્ડ ગણાતું લોથલ જળવિહિન સ્થળ બની ગયું.

શું છે મહત્ત્વની વાત

ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગર (ISR)ના સાયન્ટિસ્ટ ડો. અર્ચના દાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી લગભગ 4,200 વર્ષ પહેલાં દરિયાની સપાટીમાં મોટો ઘટાડો થવાની શરૂઆત થઈ અને 4200થી લઈ 3800 વર્ષ સુધીના તબક્કામાં તેના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો હશે. અમારો અભ્યાસ એ પણ સૂચવે છે કે એ દરિયાકાંઠાના દક્ષિણપશ્ચિમ ગુજરાતમાં દરિયાની સપાટીમાં ઝડપથી ઘટાડો થવાનો એ સમયગાળો હતો અને લોથલ પર પણ તેની પ્રતિકૂળ અસર થઈ હતી. અમે લોથલ પાસેથી નીકળતા કાંપનું પૃથક્કરણ કર્યું. અમારી રિસર્ચ ટીમે રેડિયોકાર્બન અને ઓપ્ટિકલ ડેટિંગ માટે ફોરામિનિફેરા (દરિયાઈ સૂક્ષ્મ સજીવો) અને રેતીના કણો સાથે કાર્બન અને સલ્ફર આઈસોટોપિકના આધારે સંશોધન કર્યું, સાથે એ પણ જાણવા મળ્યું કે ઈસવીસન પૂર્વે 5,030 વર્ષથી 2,070 વર્ષ સુધી દરિયાઈ ક્ષેત્રમાં પર્યાવરણના ચાર અલગ-અલગ તબક્કા હશે. પ્રારંભિક તબક્કામાં લોથલ સુધી દરિયો હતો. બીજા તબક્કામાં એકાએક પર્યાવરણીય ફેરફાર થયા. ત્રીજા તબક્કામાં સમુદ્ર કાળક્રમે ખસતો ગયો હશે અને વર્તમાન તબક્કો એ ચોથો તબક્કો છે.

કોણે કર્યું રિસર્ચ

ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગર, બિરબલ સાહની ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સ (પુરાવનસ્પતિ વિજ્ઞાન), લખનઉએ સાથે મળીને આ રિસર્ચ કર્યું છે. આ રિસર્ચ ટીમમાં ડો. અર્ચના દાસ, આશીમા સોઢી, ચિંતન વેદપાઠક, એસ.પી. પ્રિઝોમવાલા, રાજેશ અગ્નિહોત્રી, નિસર્ગ મકવાણા, જેક્વિલિન જોસેફ, નિખિલ પટેલ, સુમેર ચોપરા અને એમ.રવિ કુમાર સામેલ હતા. આ રિસર્ચ પેપરનું નામ ‘એવિડન્સ ફોર સી-વોટર રિટ્રીટ વિથ એડવન્ટ ઓફ મેઘાલયન એરા ઈન અ કોસ્ટલ હડપ્પન સેટલમેન્ટ’ છે.