શનિવાર, 30 એપ્રિલના રોજ સૂર્ય ગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં જોવા મળશે નહીં. કેમ કે તે સમયે અહીં રાત હશે. આ કારણે ભારતમાં ગ્રહણને લગતી ધાર્મિક માન્યતાઓ અને સૂતક વગેરેનું મહત્ત્વ રહેશે નહીં. જે જગ્યાએ ગ્રહણ જોવા મળે નહીં, તે સ્થાને સૂતક પાળવામાં આવતું નથી. જેથી ગ્રહણ અંગે કોઈપણ પ્રકારની શંકામાં પડવું નહીં. આ દિવસે પૂજા-પાઠને લગતાં બધા જ કામ કરવામાં આવી શકશે. તમે ઇચ્છો તો નદી સ્નાન અને દાન-પુણ્ય વગેરે શુભ કામ કરી શકો છો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતીય સમય પ્રમાણે 30 એપ્રિલ અને 1 મેના વચ્ચેના સમયગાળામાં મોડી રાતે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાએ જોવા મળી શકે છે. આ દેશોમાં ગ્રહણ સમયે દિવસ રહેશે. ભારત સમય પ્રમાણે 30 એપ્રિલની રાતે 12.15 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે જે 1 મેના રોજ વહેલી સવારે 4.08 વાગે પૂર્ણ થશે.

‘સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસનો યોગ‘
30 એપ્રિલના રોજ સૂર્યગ્રહણ સાથે જ શનિશ્ચરી અમાસ રહેશે. જ્યારે શનિવારે અમાસ આવે છે ત્યારે તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે અમાસને લગતા બધા જ શુભ કામ કરવામાં આવી શકશે. કેમ કે આપણે ત્યાં ગ્રહણને લગતા નિયમ માન્ય રહેશે નહીં. અમાસના દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. શનિદેવની પૂજા કરો. તેલ, બૂટ-ચપ્પલ, કાળા તલ વગેરેનું દાન કરી શકાય છે.
‘અમાસ શબ્દનો સરળ અર્થ‘
જ્યોતિષમાં ચંદ્રની સોળ કળામાંથી એક કળા અમા છે. અમાનો અર્થ છે નજીક અને વસ્યાનો અર્થ રહેવું છે. તેનો શાબ્દિક અર્થ નજીક રહેવું છે. આ તિથિએ ચંદ્ર દેખાતો નથી. આ તિથિના સ્વામી પિતૃઓ હોય છે. અમા નામની કળાનો ક્ષય થતો નથી. માન્યતા છે કે આ કળામાં અન્ય બધી જ કળાઓની શક્તિ રહે છે.

‘અમાસના દિવસે આ શુભ કામ કરી શકાય છે‘
- અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ ચોક્કસ કરવા જોઈએ. આ દિવસે પિતૃઓનું નામ લઇને પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ.
- અમાસના દિવસે બપોરે સળગતા છાણા ઉપર ગોળ અને ઘી અર્પણ કરવું જોઈએ. આ સમય દરમિયાન પિતૃ દેવતાઓનું ધ્યાન કરતાં રહેવું જોઈએ. ધૂપ આપતી સમયે હથેળીમાં જળ લેવું અને અંગૂઠા તરફથી પિતૃઓના નામથી જળ અર્પણ કરવું.
- અમાસના દિવસે કોઈ ગૌશાળામાં ધન અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરવું જોઈએ.
- હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શિવલિંગ પાસે દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.