મહેસાણાના ઉનાવા સેન્ટર પર ચાલુ પરીક્ષાએ એક ઉમેદવાર પાસેથી આન્સર કી મળી આવી, તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

  • ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી પાસે જવાબો લખેલી આન્સર કી ક્યાંથી આવી?

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. આજે લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. મહેસાણાના ઊંઝાના ઉનાવા સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા તંત્ર ઉમેદવાર પર કોપી કેસ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ચાલુ પરીક્ષાએ ઉમેદવાર પાસે તમામ સવાલોના જવાબ લખેલી કાપલી કઈ રીતે પહોંચી તેને લઈ સવાલો ઉઠ્યા છે. કાપલીમાં જે જવાબો છે તે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જ જવાબ છે કે નહીં તે અંગે હજી સુધી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, જે કાપલી ઝડપાઈ છે તે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ચૂકી છે.

ઉનાવાનું મીરાદાતા સર્વોદય વિદ્યાલય

રાજ્યમાં આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન વનરક્ષકની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે, મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા સેન્ટર પર ચાલુ પરીક્ષાએ જ એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા ખળભળાટ મચ્યો છે. ઉમેદવાર સામે કોપી કેસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં કાપલી ફરતી થઈ છે અને પેપર લીક થયું હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના ઉનાવા સેન્ટર પર આજે બપોરે 12 થઈ 2 વાગ્યા દરમિયાન મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં પરીક્ષા યોજાઈ રહી હતી. આ સમયે એક ઉમેદવાર પાણી પીવા ગયા બાદ પેપર લખી રહ્યો હતો. પરંતુ, તેની વર્તુણક શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવતા તેના પાસેથી શ્રી નાગરિક મંડળ, ઉનાવા નામનું એક લેટર પેડ મળી આવ્યું હતું. જેમાં જવાબો લખેલા મળતા તેની સામે કોપી કેસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉનાવા સેન્ટરમાં ઉમેદવાર પાસેથી જે કાપલી મળી આવી છે તેમાં પેપરમાં પૂછાયેલા સવાલોના જ જવાબ છે કે પછી અન્ય છે. તે અંગે તંત્ર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઝડપાયેલી કાપલી સાથે સોશિયલ મીડિયામાં પેપર લીક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મારી માહિતી પ્રમાણે આ કોપી કેસનો બનાવ છે- શિક્ષણ પ્રધાન:

શિક્ષણ પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કેટલાક લોકો કોઈપણ વાત સમજ્યા વગર સરકારને બદનામ કરવાની કેટલાક લોકો પ્રવૃતિ કરી રહ્યા છે. અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં કોપી કેસ થયેલો છે. કોઈ વિદ્યાર્થી પાસેથી તૈયાર જવાબ મળે તેનો અર્થ એવો નથી કે પેપર ફૂટ્યું છે. પેપર ફૂટ્યું હોય તો પહેલા ફૂટે, પરીક્ષા પહેલા વહેચણી કરે. સરકાર આ મામલે તપાસ કરી રહી છે.

ભાજપના રાજમાં પેપર ફૂટવા સામાન્ય બાબત- આપ:

  • આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે કહ્યું હતું કે, ભાજપના રાજમાં પેપર ફૂટવા હવે સામાન્ય બાબત બની ચૂકી છે. જો સરકાર નિષ્પક્ષ પણે પરીક્ષા ન લઈ શકતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જો સરકાર નિષ્પક્ષ પણે આયોજન ન કરી શકતી હોય તો અમારા જેવા યુવાનો પરીક્ષા યોજવા તૈયાર છે.