અલ્લુ અર્જુને તમાકુ કંપનીની ઑફર ઠુકરાવી, કહ્યું- ‘જે હું ખાતો નથી, તેને પ્રમોટ નહીં કરું’

  • બોલિવૂડ સ્ટાર્સ તમાકુ પ્રોડક્ટ્સને પ્રમોટ કરે છે

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તમાકુ કંપનીની જાહેરાત ઑફર ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઑફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકોની વચ્ચે કોઈ પણ ખોટી વસ્તુ પ્રમોટ કરવા માગતો નથી. અલ્લુ તમાકુ ખાતો નથી. આ જ કારણે તેણે તમાકુ કંપનીની બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જોકે, બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તમાકુની જાહેરાત ખુશી ખુશી કરતાં હોય છે.

અલ્લુના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે ફિલ્મમાં સ્મોકિંગ કરવું એક્ટરના હાથમાં નથી. જોકે, તે પ્રયાસ કરે છે કે કોઈ બીજી વ્યક્તિ તમાકુનું સેવન ના કરે. તે આનાથી બચવા માટેના મેસેજ પણ આપતો હોય છે.

ચાહકોને ખોટો સંદેશો આપવા ઈચ્છતો નથી

અલ્લુના નિકટના લોકોએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે તેના ચાહકો આ તમાકુની જાહેરાત જોઈને તેને ખાવાનું શરૂ કરે અને તેઓ ખોટી આદતનો ભોગ બને. તે માને છે કે જે વસ્તુ તે ખાતો નથી તો તે કેમ તેને પ્રમોટ કરે?

અક્ષય કુમાર તમાકુની જાહેરાત પર ટ્રોલ થયો

અજય દેવગન, શાહરુખ ખાન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી છે. આ અંગે સો.મીડિયા યુઝર્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો, કારણ કે અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તમાકુ કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઑફર કરે છે, પરંતુ તે સ્વીકારતો નથી. આટલું જ નહીં અક્ષય કુમાર ફિટનેસ માટે પણ ચાહકોમાં લોકપ્રિય છે. આથી જ યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો.

બિગ બી પણ પાન મસાલાની જાહેરાતથી ટ્રોલ થયા હતા

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પાન મસાલાને પ્રમોટ કરતા હતા. જોકે, સો.મીડિયામાં ટ્રોલિંગ થતાં તેમણે તેમના જન્મદિવસ પર પાન મસાલાની જાહેરાત સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી.