એલન મસ્ક 3,273 અબજ રૂપિયામાં ખરીદી શકે છે, ટ્વિટરના શેરમાં 5.3%નો ઉછાળો

ટેસ્લાના CEO એલન મસ્ક ટ્વિટરને ખરીદી લેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યાં છે કે ટ્વિટર એલન મસ્કના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરી રહ્યું છે. આ ન્યૂઝ વચ્ચે ટ્વિટરના શેર પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં 5.3% વધ્યા છે. બ્લૂમબર્ગ ન્યૂઝના રિપોર્ટ મુજબ ટ્વિટર એલન મસ્કને ટ્વિટરના માલિકી હક્ક આપવા તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્રાંઝેક્શનની શરતોને નક્કી કરવા અંગે કામ કરી રહી છે અને જો વાતચીત સુચારુ રીતે ચાલશે તો સોમવારે એક સમજૂતી થઈ શકે છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ રવિવારે બે કેમ્પ્સ વચ્ચે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ટ્વિટર એલન મસ્કના પ્રસ્તાવ અંગે ફરીથી વિચાર કરી રહ્યાં છે. મસ્કે ગુરુવારે કહ્યું હતું કે જરૂરિયાત મુજબનું ફંડિંગ સુરક્ષિત કરી રહ્યાં છીએ.

હાલમાં જ ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે 43 બિલિયન ડોલર (લગભગ 3,273.44 અબજ રૂપિયા)ની ઓફર આપી હતી. જેને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. પરંતુ હવે એક નવા રિપોર્ટ મુજબ ટ્વિટર મસ્કની સાથે આ ડીલ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનો એ અર્થ નથી કે ટ્વિટર મસ્કના 54.20 ડોલર પ્રતિ શેરની ડીલને માની લેશે. કંપની તેના માટે મસ્કની સાથે વાતચીત કરીને વધુ સારી ઓફરની તલાશ કરશે.

ટ્વિટર પ્રસ્તાવને લઈને ફરીથી વિચાર કરી રહ્યું છે

મીડિયા રિપોર્ટ મુજબ ટ્વિટર આ પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરી રહ્યું છે અને તેને લઈને વાતચીત માટેની તૈયારી પહેલાની તુલનાએ વધુ પોઝિટિવ લાગી રહી છે. ટેસ્લાના CEO મસ્કે ગુરુવારે કહ્યું હતું કે તેમને લેવડદેવડ માટેની પ્રોસેસ પૂરી કરવા 46.5 બિલિયન ડોલર જેટલી રકમ મેળવી હતી. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કબજો કરવા માટે કંપનીના શેરહોલ્ડર્સને સીધી અપીલ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિરોધ કર્યો હતો

ગત દિવસોમાં ટ્વિટર બોર્ડે મસ્ક દ્વારા કંપની પરના ટેકઓવરને રોકવા માટે પોઈઝન પિલ સ્ટ્રેટેજી અપનાવી હતી. જો કે બોર્ડ મેમ્બર દ્વારા મસ્ક સાથે આ ડીલ પર વાતચીત માટેની તૈયારી તે દર્શાવે છે કે મસ્કે આ પોઈઝન પિલનો ઉકેલ શોધી કાઢ્યો છે.

હાલ મસ્કની પાસે ટ્વિટરના 9.2% શેર છે. જર્નલ પાસેથી તે માહિતી પણ મળી કે ટ્વિટર દ્વારા સંભવિત ફેરફાર મસ્કની કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે ખાનગી રીતે મુલાકાત બાદ આવ્યો છે.

મસ્ક ટ્વિટર ખરીદીને ફ્રીડમ ઓફ સ્પીચ પર કામ કરશે

મસ્કે આ પ્લેટફોર્મ ખરીદવાની પાછળ ફ્રીડમ ઓફ સ્પીચ પર ચિંતાઓનું કારણ દર્શાવ્યું છે, જો કે ફ્રી-સ્પીચ વિશેષજ્ઞે મસ્કના અપ્રત્યાશિત નિવેદનો અને નિંદા કરનારને ધમકાવવાની વાતને તેમના નિવેદનથી વિપરીત ગણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે તેમને સક્રિય રીતે ફંડ્સ પર ધ્યાન આપવાની સાથે વીડિયો કોલની એક સીરીઝમાં શેરહોલ્ડર્સની પસંદગી કરવા માટે પોતાની એક પિચ બનાવી છે. શક્યતા છે કે આ લોકો કંપનીના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.