અમદાવાદ કાગળ પર જ વર્લ્ડ હેરિટેજ સિટી, ત્રણ દરવાજાનો એક જ રસ્તો ખુલ્લો, રાણીના હજીરાના મકબરામાં તો લોકો કપડાં સૂકવે છે

જુલાઈ 2017માં અમદાવાદ શહેરને દેશનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. આ વાત સૌ કોઈ માટે ગર્વની લાગણી કરાવનારી હતી. પરંતુ હેરિટેજના દરજ્જાની જાહેરાતને 5 વર્ષ વીતવા, છતાં સ્થિતિ પહેલાં હતી એવીને એવી જ છે. આજે પણ હેરિટેજ ઈમારતોની આસપાસ એ જ ગંદકી અને દબાણોની ભરમાર જોવા મળે છે. આજે 18 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે GujUpdates એ હેરિટેજ ઇમારતો રાણીનો હજીરો, ત્રણ દરવાજા, અને કામેશ્વર મહાદેવનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. જેમાં ત્રણેય હેરિટેજ ઇમારતોની દુર્દશા જોવા મળી છે. આમ શહેર માત્ર કાગળ પર જ વર્લ્ડ હેરિટેજ સિટી છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

શહેરમાં આવેલા ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ ઇમારતોની હાલત દિન-પ્રતિદીન બદતર થઈ રહી છે અને જો તેની જાળવણી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જે રીતે વર્લ્ડ હેરીટેજનો દરજજો જેના પર મેળવ્યો છે એવી આ ઐતિહાસિક ધરોહરો કદાચ ભૂલાઈ જાય તો નવાઈ નહીં.

ત્રણ દરવાજા, ભદ્ર રોડઃ એક તરફના દરવાજામાં ગેરકાયદે દબાણ

વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન અમદાવાદ શહેરને આપવામાં આવ્યું છે જેમાં શહેરના કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતો અને વર્લ્ડ હેરિટેજ ઇમારતો જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી પ્રખ્યાત એવા અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ત્રણ દરવાજાને વર્લ્ડ હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ આ ત્રણ દરવાજા આજે કોઈ જ પ્રકારની જાળવણી કરવામાં ન આવ્યું હોવાનું દેખાય છે ત્રણ દરવાજાની આસપાસમાં બે દરવાજામાં તો પાથરણાવાળાઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સાઈડમાં આવેલી જગ્યા ઉપર તેઓ પોતાનો પથારો લગાવી અને વેચાણ કરવા બેસી જાય છે.

દરવાજાની અંદર સાઈડમાં આવેલી જગ્યાઓમાં તેઓ પોતાનો સામાન મૂકી દે છે. એક તરફના દરવાજાની વાત કરીએ તો ત્યાં તો એટલું મોટું દબાણ કરી દેવામાં આવ્યું છે કે એક તરફનો રસ્તો જ નથી દેખાતો, આ રીતે ત્રણ દરવાજા નામ તો આપવામાં આવ્યું છે. પરંતુ માત્ર એક જ દરવાજો લોકોના અવરજવર માટે ખુલ્લો હોય તેવું દેખાય છે. અને કોર્પોરેશન કે પુરાતત્વ વિભાગે અહિયાં ક્યારેય મુલાકાત ન લીધી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

રાણીનો હજીરોઃ જ્યાં હજીરા અંગે લખ્યું છે ત્યાં જ દુકાનોવાળાનો સામાન

અમદાવાદમાં રાણીનો હજીરો નામ લોકોના મોઢે સાંભળવા મળે છે. પરંતુ જો તમે શહેરમાં માણેક ચોક વિસ્તારમાં રાણીનો હજીરો તમારે શોધવો હોય તો કદાચ એક મિનિટ તો તમને લાગી શકે છે, કારણ કે રાણીનો હજીરો જવા માટેની જગ્યાની પહેલા જ આસપાસ કેટલું દબાણ થઈ ગયું છે કે તમને દુરથી રાણીનો હજીરો દેખાય નહીં. રાણીના હજીરામાં જવાની જગ્યા આજે ધૂળ ખાય છે.

રાણીના હજીરા વિશે જ્યાં લખવામાં આવ્યું છે તે જગ્યા ઉપર આસપાસની દુકાનો વાળા પોતાનો સામાન મૂકી દે છે. રાણીના હજીરાની જગ્યા એટલે કે જ્યાં મકબરા આવેલા છે તે જવાની જગ્યા પર જુઓ તો દોરી ઉપર કપડાં સૂકાતાં જોવા મળે છે. આખી જગ્યાની આસપાસ કેટલાક સામાન મૂકી દેવામાં આવ્યો છે અને એક તરફ તુટેલું પણ જોવા મળે છે. શહેરની સૌથી પ્રખ્યાત હેરિટેજ ઇમારતમાં રાણીનો હજીરો એક છે. પરંતુ તેની ઉપર તમને દોરીએ કપડાં લટકતાં જોવા મળે છે. આ પરિસ્થિતિ પરથી ચોક્કસ જણાય છે કે શું વર્લ્ડ હેરિટેજ વિભાગ આમાં ધ્યાન આપશે.

કામેશ્વર મહાદેવઃ લોખંડનો દરવાજે તો આજે પણ તાળું મારેલું છે

ખાડિયા વિસ્તારમાં અનેક વર્લ્ડ હેરિટેજ ઇમારતો આવેલી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા ઇમારતોને હેરિટેજ ઇમારત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આજે ખાડિયા વિસ્તારમાં ચકલેશ્વર મહાદેવથી બાલા હનુમાન રોડ પર જતા આશાપુરા માતાના મંદિરની સામે આવેલું વર્ષો જૂનું મહાદેવનું મંદિર જે ખંડેર બની ગયું છે અને તેને વર્લ્ડ હેરિટેજ ઇમારતમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આજે આ મંદિર એકદમ ખંડેર હાલતમાં છે. તેનો દરવાજો છેલ્લા કેટલાય વર્ષોથી ખુલ્યો હશે કે કેમ તેના ઉપર સવાલ છે. લોખંડનો દરવાજે તો આજે પણ તાળું મારેલું છે અને તેની બાજુમાં જ વર્લ્ડ હેરિટેજ સિટીનો લોગો મારવામાં આવ્યો છે.

આ મંદિર ક્યારે ખુલશે તે લગભગ તેના સ્થાનિક લોકો પણ જાણતા નથી. આજે આ મહાદેવનું મંદિર એકદમ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને અંદરની હાલત તો કદાચ એટલી ખરાબ હશે કે તેમાં જઈ શકાશે કે કેમ? રોડ પરથી પસાર થતાં આ મંદિર દેખાય છે પરંતુ આ જર્જરિત હાલતમાં રહેલા મંદિરને વર્લ્ડ હેરિટેજ વિભાગને દેખાતું નથી.

શહેરની વર્લ્ડ હેરિટેજ ટેગ મળવાની સફર 1984માં શરૂ થઈ

શહેરને વર્લ્ડ હેરિટેજનું ટેગ મળવાની સફર 1984માં શરૂ થઈ હતી, જ્યારે ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે પ્રથમ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બીજા સીમાચિહ્ન સ્વરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાળુપુર સ્વામિનારાયણ મંદિરથી હેરિટેજ વોક શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત કોર્પોરેશન દ્વારા હેરિટેજ સેલ પણ સ્થાપવામાં આવ્યો હતો. ત્યાર બાદ શહેરનો ત્રીજો માઇલસ્ટોન એ હતો કે, 2011માં 31મી માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ શહેરોની અસ્થાયી યાદીમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 8મી જુલાઈ, 2017ના રોજ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળી ગયો.