IPLના નવા ચેમ્પિયનની વાત:ફાઇનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યો તેનો ગેમપ્લાન; ટીમના દરેક સભ્યનાં વખાણ કર્યા

IPL ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું છે. જીત બાદ કેપ્ટન તરીકે હાર્દિકનું ખુશીનો પાર ન હતો. મેચ પછીના તેણે વિસ્તારથી વાત કરી અને જીત પાછળનો તેનો ગેમપ્લાન જણાવ્યો હતો.

સફળતાનો ગેમપ્લાન જણાવ્યો
હાર્દિકે જણાવ્યું હતું કે T20 ક્રિકેટને ઘણા લોકો બેટ્સમેનની રમત કહે છે, પરંતુ તમે જુઓ તો હંમેશાં બોલર તમને મેચ જિતાડે છે. જ્યારે બેટ્સમેન સ્કોર નથી કરતાં ત્યારે તમારી પાસે સારી બોલિંગ લાઈન હોય, જે અમારી પાસે હતી તો એ હંમેશા તમને કામ લાગે છે. અમે સારી બોલિંગના સપોર્ટથી દરેક મેચમાં 10 રન ઓછા આપ્યા છે. જ્યાં બીજી ટીમોએ 190 રન આપ્યા છે ત્યાં અમે 10 રન ઓછા આપ્યા. આ 10 રન મેચ દરમિયાન ઘણું મહત્ત્વ ધરાવે છે, કારણ કે આને લીધે જ તમે મેચ હારો છો અને જીતો છે. જ્યારે અમે ટીમ બનાવતા હતા ત્યારે શરૂઆતથી જ અમે ક્લિયર હતા કે અમે એક મજબૂત બોલિંગલાઈન તૈયાર કરીશું, કારણ કે ક્યારેક બેટ્સમન ન પણ ચાલ્યા હોય તો તમે બોલરની મદદથી રમતમાં પરત ફરી શકો. આ બાબતે અમને ઘણી મદદ કરી.

ટીમના દરેક સભ્યનાં વખાણ કર્યા
હાર્દિક પંડ્યાએ સપોર્ટ સ્ટાફનાં પણ વખાણ કર્યા હતા. જ્યારે તમે એક ટીમ તરીકે રમો ત્યારે નવો કીર્તિમાન સર્જો છો અને પછી એ વિશ્વની દરેક ટીમ માટે ઉદાહરણરૂપ બની જાય છે.

પત્ની વિશે પણ વાત કરી
હાર્દિકે કહ્યું હતું કે તે ઘણી લાગણીશીલ છે. જ્યારે હું સારું રમું છું ત્યારે તે ભાવુક પણ થાય છે અને ઘણી ખુશ પણ થાય છે. મારી સફળતા પાછળ કેટલી સખત મહેનત છે એ બાબત તે જાણે છે. મારો પરિવાર મારા માટે હંમેશાં એક મજબૂત પિલર રહ્યો છે. બધાની આંખમાં ખુશીનાં આંસુ હોય છે.

મેં આગળ રહીને ટીમના સભ્યો માટે ઉદાહરણ સેટ કર્યું
ટીમના કેપ્ટન તરીકે નવી જવાબદારી લેવી મને ગમી છે. મેં હંમેશાં બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. ટીમને હંમેશાં આગળ રહીને માર્ગદર્શન આપવું મને ગમતું હતું. એનાથી હું ટીમના સભ્યો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકું. મારું સપનું ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું છે. મારા માટે પહેલા ટીમ ઈન્ડિયા પહેલા છે. ટીમ ઈન્ડિયામાં રમવું એ દરેકનું સપનું હોય છે. ભારતીય ટીમના સભ્ય તરીકે મને અલગ પ્રેમ અને સપોર્ટ મળે છે. નવી ફ્રેન્ચાઇઝી હતી, પ્રથમ સીઝન હતી અને ચેમ્પિયન બન્યા તો એક અલગ છાપ છોડશે. 1.10 લાખ લોકો અમને જોવા માટે આવ્યા હતા તો કંઈક સ્પેશિલય આપવાનું તો બનતું હતું તો આ અમારા માટે સ્પેશિયલ છે. આટલા મહિનાની મહેનતનું આજે ફળ મળ્યું છે, આથી હું ઘણો ખુશ છું.

આ પહેલાં ચાર IPL જીતી એ પણ મારા માટે સ્પેશિયલ છે. આ જીત પણ મારા માટે સ્પેશિયલ છે. હું ભાગ્યશાળી છું કે પાંચવાર IPLની ફાઈનલમાં આવ્યો અને પાંચવાર ટ્રોફી ઉઠાવી છે.