મેડ ઈન ગુજરાત:અમદાવાદના યુવાનોએ વિક્સાવેલું ડિવાઈસ દર્દી અને સ્વજનને દવા લેવાનું યાદ કરાવશે, કેટલીવાર ટેબ્લેટ ભૂલ્યા તેનો રિપોર્ટ પણ મળશે

  • અત્યાર સુધીમાં 100 જેટલા ડિવાઈસનું વેચાણ કર્યું
  • બ્રેઈન લિપિની સાથે એલાર્મ-ડિસપ્લે હોવાથી દિવ્યાંગો માટે ઉપયોગી
  • કુશ પ્રજાપતિ, ધૌમિલ પરમાર, રાજ શાહ અને હર્ષ માંગુકિયાએ ડિવાઈસ વિક્સાવ્યું.

 

હવે ક્રોનિક બીમારી ધરાવતા દર્દીઓ માટે દવા લેવાનું યાદ રાખવું સરળ બનશે અને દવા લેવાનું ભૂલાશે નહીં. કુશ પ્રજાપતિ, ધૌમિલ પરમાર, રાજ શાહ અને હર્ષ માંગુકિયાએ મેડિસિન રિમાઈન્ડર ડિવાઈસ બનાવી દવા લેવાનું ભૂલવાનો તોડ શોધી કાઢ્યો છે. જેમાં ક્રોનિક એટલે કે કાર્ડિઆક, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગની સાથે-સાથે એવા અન્ય રોગો કે જેમાં દૈનિક ત્રણ ટાઇમ કે તેનાથી વધુ વાર દવા લેવી પડતી હોય તેવા દર્દીઓ માટે ડિવાઇસ વિકસાવ્યું છે, જે દર્દીઓને દવા લેવાનું યાદ અપાવશે. સૌથી મોટી વાત એ છે કે અમદાવાદના આ યુવાનોના સ્ટાર્ટઅપમાં રાજ્યની ખ્યાતનામ ફાર્મા કંપની અને બ્રિટનની વિખ્યાત ફાર્મા કંપનીએ રસ દાખવ્યો છે. આ ડિવાઈસની શરૂઆતી કિંમત અલગ અલગ મોડલ મુજબ રૂ. 3500થી રૂ.5 હજાર છે. અત્યાર સુધીમાં 100 જેટલા ડિવાઈસનું વેચાણ થઈ ચૂક્યું છે.

 

વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગ અભ્યાસ કરી ચૂકેલા કુશ પ્રજાપતિ અને ધૌમિલ પરમારે LM ફાર્મસી કોલેજના ઇન્ક્યુબેશન સેન્ટરમાં હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગી એવું આ મેડિસિન ડિવાઇસ વિકસાવ્યુ છે. આ ડિવાઈસને રેમેડ પ્લસ નામ આપવામાં આવ્યુ છે. જ્યારે હર્ષ માંગુકિયા અને રાજ શાહે ડિવાઈસ લોન્ચ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

 

શું છે મેડિસિન રિમાઈન્ડર ડિવાઈસ?
બેટરી સંચાલિત આ ડિવાઇસમાં ઇનબિલ્ટ વાઈ-ફાઈ છે. ડિવાઈસમાં દવા મુકવા સમયે મોબાઇલ કનેક્ટ કરવો જરૂરી છે, ત્યાર બાદ વાઈ-ફાઈની જરૂર રહેતી નથી. મોબાઇલ એપ્લિકેશન સાથે કનેક્ટ આ ડિવાઇસમાં જે દવા મુકવામાં આવે છે, તેની સ્ટ્રિપની ફોટો સાથેની વિગતો એપમાં ઇનબિલ્ટ હોય છે. જે દવા ડિવાઇસમાં મુકાય છે, તેને મોબાઇલ એપમાં સિલેક્ટ કરી, દવા લેવાનો ટાઇમ ડોક્ટરની સૂચના પ્રમાણે સેટ કરવામાં આવે છે.

દર્દીને જ્યારે દવા લેવાનો સમય થાય ત્યારે એલાર્મની સાથે ડિવાઇસ પરના ડિસ્પ્લે પર જે દવા લેવાની છે, તેની વિગતો દર્શાવે છે અને મોબાઇલ પર પણ એલર્ટ આવે છે. આ ડિવાઇસને ગૂગલ વોઇસ અને એલેક્સા સાથે પણ જોડી શકાય છે.

 

બ્રિટનની જાણીતી કંપનીએ રસ દાખવ્યો
આ ડિવાઈસ વિકસાવનારા કુશ પ્રજાપતિએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે બ્રિટનની જાણીતી ફાર્મા કંપનીએ આ સ્ટાર્ટઅપમાં રસ દાખવ્યો છે, જેના દ્વારા લખનૌની એક હોસ્પિટલમાં ડિવાઇસની ટ્રાયલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અદાવાદની પ્રખ્યાત હોસ્પિટલમાં પણ આ ડિવાઇસનો ક્રોનિક દર્દીઓ માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય ડિવાઇસ તૈયાર કરનાર યુવાનો પણ કેટલાક દર્દીઓને ડિવાઇસ આપી, પ્રયોગ કરી ચૂક્યા છે, જેના સારા પ્રતિભાવ પણ મળ્યા છે. આ પ્રોડક્ટ બે મહિના હોસ્પિટલમાં ટ્રાયલ ચાલ્યા બાદ લોન્ચ કરવામાં આવી છે, જેની શરૂઆતી કિંમત રૂ. 3500થી રૂ.5 હજાર છે.

દવા લેવાઈ કે ભૂલાઈ, તેનો ગમે ત્યારે રિપોર્ટ મળશે
હર્ષ માંગુકિયાનું કહેવુ છે કે આ ડિવાઇસની ખાસિયત એ છે કે એક કરતા વધુ મોબાઇલ તેમાં કનેક્ટ થઇ શકે છે. એટલે કે જો કોઇ વ્યક્તિ દર્દીથી દૂર રહેતી હોય, તેના મોબાઇલને ડિવાઇસ સાથે કનેક્ટ કર્યા બાદ, દવા લઈ લીધા બાદનું એલર્ટ, દવા પૂરી થવા આવી હોય ત્યારનું એલર્ટ પણ આપશે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે 3 મહિનાના અંતે ડિવાઇસ કઈ દવા ક્યારે અને કેટલીવાર ભૂલાઇ અથવા સમયસર લેવાઈ છે કે નહિં, તે અંગેનો રિપોર્ટ પણ મેઈલ મારફતે યુઝર્સને મળી જશે. આ સિવાય જો વ્યક્તિ પોતાની રીતે જ્યારે ઈચ્છે ત્યારે રિપોર્ટ મેળવી શકે છે. આ ડેટા દવા લેવાની આદતની બાબતમાં ડોક્ટર, ફાર્મા કંપનીઓ માટે પણ રિસર્ચ અને દર્દીની સારવારમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

 

ડિવાઈસમાં 1 મહિનાની દવા સ્ટોર થઇ શકે છે
સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા ધૌમિલ પરમારનું કહેવું છે કે ડિવાઈસમાં કુલ 5 કમ્પાર્ટમેન્ટ છે. એક કંપાર્ટમેન્ટમાં જો દવાની સાઇઝ નાની હોય તો 100 ટેબ્લેટ, મીડિયમ સાઇઝની દવાની 40-50 ટેબ્લેટ, મોટી સાઇઝની એટલે કે કેપ્સુઅલ પ્રકારની 20 જેટલી ટેબ્લેટ સ્ટોર થઇ શકે છે, એટલે કે એક મહિનાની દવા તેમાં સ્ટોર થઇ શકે છે. વિકલાંગ દર્દીઓ માટે પણ આ ડિવાઇસ ઉપયોગી સાબિત થશે કારણ કે તેમાં બ્રેઇન લિપિની સાથે-સાથે એલાર્મ અને ડિસપ્લે હોવાથી તેઓ સરળતાથી સમજી શકશે.

સમયસર દવા ન લેવાથી સારવારની યોગ્ય અસર નથી થતી
LM ફાર્મસી કોલેજના ઇન્ક્યુબેશન સેન્ટરના શ્રીનિવાસ સાલ્વેનું કહેવું છે કે ઇન્ક્યુબેશન સેન્ટર તરફથી તેમને પ્લેટફોર્મ આપવામાં આવ્યું અને પેટન્ટ માટે પણ મદદ કરવામાં આવી. આ ઉપરાંત ટેસ્ટિંગ માટે હોસ્પિટલ તથા ફાર્મા કંપનીઓના સંપર્ક કરાવવામાં તેઓ મદદ કરી રહ્યાં છે. WHOના રિપોર્ટ પ્રમાણે સમયસર દવા ન લેવાથી 30થી 50 ટકા ક્રોનિકના દર્દીઓની સરાવારમાં વિક્ષેપ અથવા તો સારવારની યોગ્ય અસર થતી નથી. તેવા સમયે આ ડિવાઇસ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.