રાજકોટની ઉડાન સ્કૂલમાં પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું, વાંચો ઉમેદવાર ગીતાબેન માલીએ જણાવેલી અંદરની વાત

  • વનરક્ષકની પરીક્ષા આપનાર બે ઉમેદવારોએ પેપર ફૂટ્યાની શંકા દર્શાવી
  • પેપરના પેકેટમાં 3 ઈંચનો કાપો હતો, તેના પર ટેપ મારી હતી માટે અમે સહી કરવાની ના પાડી, તંત્રે નોંધ કરી પણ કાર્યવાહી ન થઈ
  • બે ઉમેદવારે વાંધો ઉઠાવતા રોજકામ કરાયું, સીસીટીવી અને ફોટો જાહેર કરવાની ના પાડી તમામ સાહિત્ય ગુજરાત યુનિ. ના અધિકારી લઈ ગયા
  • GujUpdates સવાલ – પ્રશ્નપત્રનું પેકેટ કેવી રીતે તૂટ્યું? તૂટ્યું તો તેના પર ટેપ કોણે લગાડી? ટેપ લગાડી તો તે અંગે કોઇ રોજકામ કેમ ન થયું?

વનરક્ષક ભરતીની પરીક્ષામાં પેપર ફૂટવા મામલે ગીતાબેન માલીએ GujUpdates ના રિપોર્ટર ઈમરાન હોથી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારો ક્રમ રાજકોટ શહેરની ઉડાન સ્કૂલના બ્લોક નં. 2મા હતો. પરીક્ષાનો સમય 12 વાગ્યાથી શરૂ થતો હતો. પરીક્ષા શરૂ થવાની હતી એટલે મહિલા સુપરવાઈઝર પ્રશ્નપત્રનું પેકેટ લઈને આવ્યા હતા અને તેમણે પેપરનું સીલ બધાને બતાવ્યું હતું અને તેમાં બે વિદ્યાર્થિનીની સહી માટે જણાવ્યું હતું. હું તે ક્લાસમાં સૌથી છેલ્લે બેઠી હતી અને સીલ લગાવેલા પેકેટની નીચે સેલો ટેપ દેખાઈ હતી તેથી હું તુરંત જ ઊભી થઈ અને ત્યાં નજીકથી જોતા તે પેકેટમાં જ્યાં સીલ લગાવેલું છે તેની સામેના જ ભાગમાં કાપો લગાવેલો હતો અને તેના પર સેલો ટેપ હતી.

‘મેં જોયું તો કાપો સુવ્યવસ્થિત રીતે બ્લેડ જેવા સાધનથી લગાવ્યો હોય તેવું લાગતું હતું અને આશરે 3 ઈંચ જેવડો હતો જેમાંથી પેપર સરળતાથી નીકળી શકે તેવું લાગતું હતું. આ અંગે મેં વાંધો ઉઠાવ્યો અને સાથે જ આગળ બેઠેલા એક ઉમેદવારે પણ વાંધો ઉઠાવ્યો હતો. જેને લઈને સુપરવાઈઝરે કેન્દ્રમાં અધિકારીને બોલાવ્યા હતા જેણે પોતાનું નામ ડો. આર.ડી. પરમાર જણાવ્યું હતું તેમણે જોયું અને કબૂલ્યું પણ ખરા કે પેકેટ તૂટેલું અને પછી સાંધેલું છે.’

સાહેબે તૂટેલા પેકેટનો ફોટો પાડ્યો હતોઃ ઉમેદવાર

વધુમાં જણાવતા તેઓ કહે છે કે, ‘પરીક્ષાનો સમય શરૂ થઈ ગયો હતો તેથી તેમાં સમય ન બગડે તે માટે પેપર સેટ પર પેકેટ તૂટેલું છે તેવું લખીને સહી કરી હતી. એ સમયે મેં ડો.પરમારને કહ્યું હતું કે, અમારી પાસે મોબાઈલ નથી પણ તમારી પાસે છે એટલે તમે આ પેકેટનો ફોટો પાડો અને પછી મને પણ મોકલશો. મેં તેમને મારા નંબર આપ્યા હતા અને સીસીટીવી ચાલુ છે કે નહિ તે પૂછીને જો ચાલુ હોય તો કેમેરામાં પણ પેકેટ બતાવો તેમ કહ્યું હતું. સાહેબે ફોટો પાડ્યો હતો અને મને મોકલશે તેમ કહ્યું હતું. ત્યારબાદ અમે પરીક્ષાનું પેપર લખવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન ફરી તે સાહેબ આવ્યા હતા અને એક કાગળ પર પેપરનું પેકેટ ખૂલેલું હોવા બાબતની એક અરજી પર મારી તેમજ અન્ય એક હરેશભાઈ સોલંકી નામના ઉમેદવાર હતા તેની સહી કરાવી હતી.’

‘મને ફોટો મોકલવાનું કીધું હતું પણ ના મોકલ્યો’

તેઓ આગળ કહે છે કે, ‘પેપર પૂરું થઈ ગયા બાદ અમે ઓફિસમાં ગયા હતા પણ ત્યાં એવું કહ્યું કે, બહાર બેસો તેથી થોડી વાર બહાર બેઠા પણ કોઇ જવાબ ન આવ્યો અને મોડું થઈ ગયું હોવાથી હું પણ ત્યાંથી નીકળી ગઈ હતી. બીજા દિવસ સુધી મને કોઇનો ફોન આવ્યો ન હતો તેમજ પેકેટનો ફોટો પણ આવ્યો ન હતો તેથી મને ખાતરી થઈ કે કદાચ આ વાત ઉપર સુધી પહોંચાડવામાં નથી આવી. મને પૂરી શંકા છે કે પેપર ફોડવાનો પ્રયત્ન થયો છે. હું નોકરીની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરું છું છતાં મને આ ઘટનાથી અન્યાય થયાની લાગણી થતી હતી જે લોકો પૂરા ખંતથી બધું છોડીને તૈયારી કરતા હશે તેમના સાથે તો કેવો અન્યાય થાય એટલે જ આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવો છે પણ એક ખાસ કે તપાસ માટે હું સંપૂર્ણ તૈયાર છું પણ આ મામલો રાજકીય રંગ પકડવાને બદલે પગલાં લેવાય તેવો રહે તેવી આશા છે.’

  • સ્કૂલ પર પ્રશ્નપત્ર પહોંચ્યા જેમાંથી એક પેકેટ તૂટેલું હતું અને ટેપ લગાવેલી હતી તેથી અમે સ્થળ પર મૂકેલા અધિકારીઓ અને ફોરેસ્ટના સ્ટાફને પણ જાણ કરી હતી. જેને લઈને રોજકામ કરાયું હતું અને સહીઓ લેવાઈ હતી અને સીસીટીવી ફૂટેજની પણ બે સીડી બનાવી તેઓ લઈ ગયા હતા. અમારી પાસે તે ફૂટેજ પણ નથી જોકે તેમાંથી પ્રશ્નપત્ર નીકળી શકે તેવડો મોટો કાપો ન હતો’ – દર્શન દવે, કેન્દ્ર સંચાલક, ઉડાન સ્કૂલ
  • અમે પેકેટ જોયું તો લાગ્યું કે કદાચ ટ્રાન્સપોર્ટેશનમાં તૂટ્યું હશે કારણ કે, જે બોક્સમાં બધા પેકેટ આવ્યા હતા તે સીલપેક હતું તેની અંદર પેકેટ હતા અને બ્લોક નં 2ના પેકેટમાં નીચેના ભાગે જે કાપો હતો તે પણ નાનો હતો તેમજ પેકેટ ખોલ્યા બાદ જેટલા પેપર હતા તેના પર પણ પેપરસીલ હતું. અમે રોજકામ કરી ઉમેદવારની સહી લીધી હતી. મને અરજદારે તેના નંબર આપ્યા હતા પણ તે નંબર પરીક્ષા સ્થળ પર જ ભૂલી જતા પેકેટનો ફોટો મોકલી શક્યો નથી’ – ડો. આર.ડી. પરમાર, તકેદારી અધિકારી, વનરક્ષક પરીક્ષા વ્યવસ્થા