પાણી ફરિયાદ સેલની પ્રથમ દિવસની 7માંથી 6 ફરિયાદોનો 24 દિવસે પણ કોઇ ઉકેલ નહીં, લોકોએ કહ્યું: ‘પાણીની માત્ર દદુડી પડે છે, વેરા લેવાના બંધ કરો’

  • હેલ્પલાઇન શરૂ થયાથી અત્યાર સુધીમાં 1700થી વધુ ફરિયાદો આવી
  • લોકો ફરિયાદ કરીને કંટાળી ગયા પણ કશું પરિણામ ન આવ્યું

વડોદરામાં કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે પાણી વિતરણની ફરિયાદો અંગે હેલ્પલાઇન નંબર જારી કરી દેવાયો છે. પરંતુ, મોટાભાગના લોકોની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જો પ્રથમ દિવસની ફરિયાદોનો ઉકેલ નથી આવ્યો તો પછી 1700થી વધુ ફરિયાદોની સ્થિતિ શું હશે? આ અંગે લોકોનો ગુજઅપડેટ્સ ડિજિટલ દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે પોતાના વ્યથા ઠાલવી હતી.

ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી આવવાની સમસ્યા

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા પાણી વિતરણ અંગે કોઇપણ પ્રકારની નાગરિકોને સમસ્યા આવતી હોય તો તે અંગે ફરિયાદ માટે કોર્પોરેશન દ્વારા ગત 14 માર્ચથી કારેલીબાગ પાણીની ટાંકી ખાતે ફરિયાદ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેના માટે એક ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. જે પર આજ સુધીમાં 1750થી વધુ ફરિયાદો આવી ચુકી છે. જેમાં મોટાભાગની ફરિયાદો ઓછા પ્રેશરથી પાણી તેમજ ઓછો સમય પાણી આવવાની આવી રહી છે. ગુજઅપડેટ્સ દ્વારા આ ફરિયાદોના નિકાલ અંગે તપાસ કરવા માટે 14 માર્ચના રોજ નોંધાયેલી પ્રથમ 7 ફરિયાદો કરનાર સાથે વાત કરીને તેમની ફરિયાદનો ઉકેલ આવ્યો કે નહીં તે અંગે જાણવામાં આવ્યું હતું. જો કે, એક ફરિયાદને બાદ કરતા કોઇની પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તેમજ લોકો આ ફરિયાદનો ઉકેલ નહીં આવતા બીજે ક્યાં ફરિયાદ કરવી તેવા સવાલ કરી રહ્યા છે. જો પ્રથમ 7 ફરિયાદમાં જ આવી સ્થિતિ છે, તો પછી 1700થી વધુ ફરિયાદ કરનારાઓની સમસ્યા અંગે ક્યારે ઉકેલ આવશે તે મોટો પ્રશ્ન છે.

પાણી ન આપો તો તમે વેરો લો છો એ બંધ કરી દો

આજવા રોડ પર રહેતા ધવલભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં પાણી આવે છે પણ આગળની લાઇનમાં આવે છે. અમારે ત્યા પાણી આવે ત્યારે એટલું ધીમું આવે છે કે, વાપરવાનું પાણી ભરી શકાતું નથી. તો કહો કપડાં ધોવા ક્યાં જવાનું? આવી સ્થિતિ 6 વર્ષ છે. મને લાગે છે કે, કોર્પોરેશનવાળાને કંઇ પડી નથી, તેમને તા લાગે છે કે આ લોકોને પાણી મળવું હોય તો મળે, ના મળવું હોય તો કંઇ નહીં. સાહેબ કોણ એવો નવરો છે કે ત્યાં (કોર્પોરેશનમાં) સવારમાં જઇને ઝઘડા કરવા જાય કે માથાકૂટ કરવા જાય. હું તો કોર્પોરેશનમાં અરજી પણ કરવાનો છું કે તમે વેરો લો છો એ બંધ કરી દો.

પાણીના ટેન્કર મંગાવીએ છીએ

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારે પાણી આવે 9થી 10 વાગ્યાના સમયમાં અને કોર્પોરેશનવાળા પૂછવા આવે 11 વાગ્યે, તો તેનો અર્થ શું? એ લોકો એટલું જ જોવે છે કે પાણી આવે છે.. પણ પાણી તો આગળની લાઇનમાં જ આવે છે, પાછળનું તો કોઇ દેખતા જ નથી. અમારે ત્યાં 20 હજાર રુપિયા વેરો આવે છે. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા છે. આ જુઓને પેટ્રોલના ભાવ પણ કેટલા બધા વધી ગયા છે. અમે તો પાણીની ફરિયાદો કરીને થાકી ગયા. અમારે ત્યાં પાણી ન હોય તો બાજુમાં અમારા કાકાને ત્યાં જઇએ અને જો એમના ત્યાં પાણની સમસ્યા થાય તો તેઓ અમારા ઘરે આવે. જો બંનેના ઘરે પાણી ના આવે તો ટેન્કર મંગાવીએ છીએ. અમે તો કંટાળી ગયા છીએ. ન્યુ સમા રોડ પર રહેતા પ્રણવભાઇ મહેતાએ કહ્યું હતું કે, અમારા કોર્પોરેટરે કહ્યું હતું કે, આગળ લીકેજને કારણે પાણી ઓછું આવતું હતું. હવે પાણી આવે છે એવું કહેવાય.