42 હજાર ઘરો પર થાય છે વીજ ઉત્પાદન, લાઈટ બિલ થઈ ગયું શૂન્ય, વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન

  • શહેરમાં 205 મેગાવોટ ક્ષમતાના સોલર પ્લાન્ટ્સ લગાવાયા છે

ટેક્સટાઈલ, ડાયમંડ, સ્માર્ટ સિટી સુરત હવે સોલર સિટી બનાવ જઈ રહ્યું છે. સુરતમાં હાલ 42 હજાર ઘરો પર 205 મેગાવોટના સોલર પ્લાન્ટ લગાવાયા છે. જેથી આ તમામ ઘરોમાં લાઈટ બિલ શૂન્ય થઈ ગયું છે. પાલિકા દ્વારા પર વધુમાં વધુ લોકોને રૂફટોપ સોલર પ્લાન્ટ લગાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલ સુરત સિટીમાં વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઈ રહ્યું છે. જે દેશમાં 3% અને ગુજરાતમાં 12% હિસ્સો ઘરાવે છે.

2016થી સોલર રૂફટોપ યોજના અમલમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે સોલર ઉર્જાને લઈને અલગ અલગ પોલિસીઓ જાહેર કરી હતી. ગ્રીન એનર્જી તરફ વળવા માટે તેમણે ગુજરાતમાં ખૂબ મોટા પાયે પ્રયાસો કર્યા હતા. જે અંતર્ગત રાજ્યમાં 2016થી સોલર રૂફટોપ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લોકો પોતાના ઘર ઉપર અને એપાર્ટમેન્ટ ઉપર સોલર રૂફ ટોપ યોજના અંતર્ગત લાભ લે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સોલર રૂફટોપ લગાવનારા ઓને આજે મોટી આર્થિક સહાય થઈ રહી છે. સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ લગભગ બે વર્ષ પછી તેની પાછળ કરવામાં આવેલો ખર્ચ વસૂલ થઈ જાય છે. ત્યારબાદ ઘરનું વીજળી વપરાશ બિલ 0 રૂપિયા ઉપર આવી જાય છે.

500 કિ.વો. સુધીના સોલર પાવર પ્લાન્ટ લગાવી શકાય

શહેરમાં કુલ 42000થી વધુ મકાનોની છત પર રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ્સ લગાવાયેલા છે. સ્વતંત્ર છત ધરાવતા મકાનોમાં 3 કિ.વો. સુધીના સોલર પ્લાન્ટની ક્ષમતા માટે કુલ મંજૂર કેપિટલ ખર્ચનાં 40%, 4થી 10 કિ.વો. સુધીના સોલર પ્લાન્ટની ક્ષમતા માટે કુલ મંજૂર કેપિટલ ખર્ચનાં 20% જેટલી સબસિડી મળવાપાત્ર છે. ફ્લેટ-એપાર્ટમેન્ટ માટે કોમન વીજ વપરાશનાં હેતુસર 500 કિ.વો. સુધીના સોલર પાવર પ્લાન્ટ માટે કુલ મંજૂર કેપિટલ ખર્ચનાં 20 % જેટલી સબસિડી મળવાપાત્ર છે. શહેરમાં 205 મેગાવોટ ક્ષમતાના સોલર પ્લાન્ટ્સ લગાવાયેલા છે. જેનો કોમન યુટીલાઈઝેશન ફેક્ટરને ધ્યાને લઈએ તો 205 મેગાવોટનાં સોલર પાવર પ્લાન્ટ્સ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન સોલર પ્લાન્ટ થકી થઈ રહ્યું છે.

સુરતની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત

મનપા એડિશનલ સીટી ઈજનેર કે.એચ. ખટવાનીએ જણાવ્યું હતું કે શહેરમાં સોલર પાવર જનરેશનને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે. શહેરના 42 હજારથી વધુ ઘરો પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પાવર પ્લાન્ટ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં 418 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય તેમ છે. સુરતની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે. સુરતને સોલર સિટી બનાવવા માટે 100% લક્ષ્યાંક સુધી પહોંચવા માટે શહેરીજનોને સોલર પ્લાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ પણ કરાય છે, જેનો સીધો લાભ સોલર પ્લાન્ટ લગાવનારને થશે.

ક્રેડિટ 1000 રૂપિયાથી 1200 સુધીની જમા થાય

સોલરનો લાભ થનાર એક લાભાર્થીએ જણાવ્યું હતું કે મારા ઘરનું લાઈટ બિલ બે મહિનાનું 2000થી 2700 રૂપિયા બિલ આવતું હતું. ત્યારબાદ 2018માં સોલર પ્લાન નખાવ્યું ત્યારથી વીજ બિલ મારુ શૂન્ય થઈ ગયું ઉપરાંત ક્રેડિટ જમા થાય છે. ઉનાળામાં એસી ચાલે અને પંખા પણ ચાલે ત્યારે યુનિટ બેલેન્સ થઈ જાય અને શિયાળામાં પંખા ચાલે નહીં એટલે ક્રેડિટ 1000 રૂપિયાથી 1200 સુધીની જમા થાય એટલે કે વપરાશ પ્રમાણે ક્રેડિટ જમા થાય છે. જેનાથી આંખું એક મહિનાના બિલના પૈસા જમા થાય છે. જ્યારથી સોલર લગાવી ત્યારથી બિલ શૂન્ય આવતા બિલ ભરવાની નોબત આવી નથી, જેથી બચત થતા રાહત થઈ છે.

લાઈટ બિલને લઈને પડતો આર્થિક બોજો શૂન્ય થઇ ગયો

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિનોદ જૈને જણાવ્યું કે અમારું સંયુક્ત કુટુંબ છે અને તેને કારણે ઘરના સભ્યોની સંખ્યા પણ વધારે છે. સોલર રૂફટોપ પ્લાન્ટ અંતર્ગત 2018માં અમારી છત ઉપર મુકવામાં આવ્યો હતો. ઘરમાં સભ્યો વધુ હોવાથી એસી, પંખા તેમજ લાઇટનો ઉપયોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં હતો. સાથે ગરમ પાણી માટે ગેસ હીટરનો પણ ઉપયોગ કરતા હતા. પરંતુ જ્યારથી સોલર રૂફટોપ પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે ત્યારથી અમારા વીજ વપરાશને કારણે જે આર્થિક બોજો પડતો હતો તે લગભગ શૂન્ય થઇ ગયો છે. આજે અમારા ઘરનું બિલ જે પહેલા હજાર રૂપિયા આવતું હતું તે હવે નીલ થઈ ગયું છે. કારણ કે ઉનાળાના સમય દરમિયાન વીજ વપરાશ કરતા હોયએ છીએ પરંતુ ચોમાસુ અને શિયાળા દરમિયાન પંખા, એસીનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થઈ જાય છે તેની ક્રેડિટ તમને ખૂબ સારી મળે છે. સરવાળે વર્ષ દરમિયાન અમારું બિલ એક પણ રૂપિયા અમારે ભરવાનો થતો નથી.

ગ્રીન એનર્જીનો વિકલ્પ અપનાવવા અપીલ

રૂફટોપ સોલર પ્લાન્ટ માટે જે ખર્ચો કરવામાં આવ્યો હતો તે બે જ વર્ષમાં વસલત થઈ ગયો અને ત્યારબાદ હવે અમને મોટી આર્થિક રાહત થઈ ગઈ છે. અમારા વિસ્તારની આસપાસની લગભગ તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં 90 ટકા કરતાં વધારે લોકોએ રૂફટોપ સોલર યોજનાનો લાભ લીધો છે. એક વખતનું ઇન્વેસ્ટ કર્યા પછી ખૂબ મોટી રાહત છે. સરકાર ઉપર જે વીજ વપરાશ ખૂબ ઓછો પડે છે તેમાં પણ રાહત થાય છે અને ગ્રીન એનર્જીનો વિકલ્પ વધુમાં વધુ લોકો અપનાવે તો આ પ્રકારના અનેક લાભ થઈ શકે એમ છે.