યુક્રેનથી 25 ટકા સનફ્લાવર તેલના જથ્થાની આયાત અટકી, ખાદ્યતેલોની કિંમતો વધી શકે

ભારત વર્ષે 25 લાખ ટન સનફ્લાવર તેલની આયાત કરે છે. જેમાં રશિયા પાસેથી 20%, યુક્રેન પાસેથી 70 ટકા તેલ આયાત કરે છે ત્યારે અત્યારે રશિયા-યુક્રેન યુદ્વને કારણે સનફ્લાવર તેલની કિંમતમાં ઉછાળો આવી શકે છે. રશિયા-યુક્રેન યુદ્વને કારણે અત્યારે યુક્રેનથી આવતો 4-6 લાખ જેટલો સનફ્લાવર તેલનો જથ્થો યુક્રેનમાં અટવાયો છે. જો કે ભારતમાં રશિયા-યુક્રેન યુદ્વથી જે સનફ્લાવર તેલનો પુરવઠો ખોરવાયો છે તેનાથી ભારતના ખાદ્યતેલના પુરવઠાને કોઇ ખાસ અસર જોવા નહીં મળે પરંતુ તેનાથી સ્થાનિક ખાદ્યતેલ ઉત્પાદકોની પ્રોડક્શન પર ભાર વધે તેવી સંભાવના ક્રિસિલે વ્યક્ત કરી છે.

વાર્ષિક સ્તરે 230-240 લાખ ટન ખાદ્યતેલના વપરાશમાં સનફ્લાવર તેલના વપરાશનો હિસ્સો 10 ટકા છે અને તેમાંથી 60 ટકા માંગને આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. ભારતની વાર્ષિક 22-23 લાખ ટન જેટલી સનફ્લાવર તેલની માંગને પહોંચી વળવા માટે યુક્રેનથી 70 ટકા, રશિયાથી 20 ટકા તેમજ બાકીની આયાત આર્જેન્ટિના તેમજ અન્ય દેશોમાંથી કરવામાં આવે છે. રશિયા-યુક્રેન યુદ્વના પરિણામે આગામી નાણાકીય વર્ષે ભારતમાં આયાત થનારા 4-6 લાખ ટન તેલના જથ્થાને અસર થશે.

યુક્રેન અને રશિયા વાર્ષિક સ્તરે 100 લાખ ટનની સનફ્લાવર તેલની નિકાસ કરે છે જ્યારે આર્જેન્ટિના વાર્ષિક 7 લાખ ટન તેલની નિકાસ કરે છે. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આક્રમણ બાદ યુએસ અને યુરોપિયન દેશો દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધો તેમજ સ્વિફ્ટ સિસ્ટમ પ્રભાવિત થવાને કારણે પણ સમસ્યાનું સર્જન થયું છે તેવું ક્રિસિલ રિપોર્ટમાં જણાવાયું છે.

રશિયા સાથે ખાદ્યપદાર્થોના વેપાર પર પ્રતિબંધ લાગૂ ના હોવા છતાં ટ્રેડ સેટલમેન્ટમાં કેટલીક અડચણોને કારણે પણ પુરવઠો ખોરવાયો છે.  સ્થાનિક ખાદ્યતેલ ઉત્પાદકો સામાન્યપણે 30-45 દિવસ સુધી ખાદ્યતેલના ઉત્પાદન માટેના કાચા માલનો સંગ્રહ કરે છે જેથી કરીને ઇમરજન્સીની સ્થિતિમાં કોઇ વિધ્ન ના આવે.

જો કે, યુદ્વ લંબાશે અને વેપારની ગતિવિધિઓ અટકશે તો પુરવઠાની અછત સર્જાશે અને કિંમતોમાં ઉછાળો આવે તેવી સંભાવના છે. ખાદ્યતેલોમાં સ્થાનિકમાં સિંગતેલ, કપાસિયાતેલમાં ભાવ સતત વધી રહ્યાં છે. સિંગતેલના ભાવ આગામી ટુંકાગાળામાં 3000ની સપાટી કુદાવે તેવું અનુમાન છે. સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવ ફરક સંકળાઇ ગયો છે.

ખાદ્યતેલ પર સ્ટોક મર્યાદા ડિસે.સુધી લંબાવાઇ:-

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવા અને ખાદ્યતેલોની કિંમતોને કાબુમાં રાખવા માટે સરકારે ખાદ્યતેલો અને તેલીબિયાં પરની સ્ટોક મર્યાદા ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે કોમોડિટીઝની સતત વધતી કિંમતોના કારણે નિર્ણય લેવાયો છે. આદેશ 1 એપ્રિલથી અમલમાં આવશે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. ઓક્ટોબર 2021માં,ગ્રાહક બાબતોના મંત્રાલયે માર્ચ 2022 સુધી સ્ટોક મર્યાદા લાદી હતી અને સ્ટોક મર્યાદા ઉપલબ્ધતા અને વપરાશ પેટર્ન પર આધારિત હોવી જોઈએ કે કેમ તે નક્કી કરવાનો નિર્ણય રાજ્યો પર છોડી દીધો હતો.