પેટ્રોલના વેચાણમાં 10%, ડીઝલમાં 15%નો ઘટાડો; 2 વર્ષમાં પહેલીવાર LPGના વેચાણમાં પણ ઘટાડોJoin Our Whatsapp Group
Join Now

એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ઈંધણના ભાવવધારાને પગલે તેની ખપતમાં મોટો ઘટાડો થયો છે. એપ્રિલના 15 દિવસમાં પેટ્રોલના વેચાણમાં માર્ચના પ્રથમ 15 દિવસની તુલનામાં 10 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ જ સમયગાળામાં ડીઝલની ડિમાન્ડમાં 15.6 ટકાનો ઘટાડો થયો છે. કોરોનાકાળમાં રાંધણગેસના વેચાણમાં સતત વધારો થતો હતો પણ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ એપ્રિલના 15 દિવસમાં તેના વેચાણમાં પણ 1.7 ટકાનો ઘટાડો થયો છે.

સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત 22 માર્ચથી ઇંધણના ભાવમાં વધારોશરૂ કર્યો હતો. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ ઑઇલ કંપનીઓએ 137 દિવસ બાદ ભાવમાં તબક્કાવાર વધારો શરૂ કર્યો હતો. ક્રૂડ ઑઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં 30 ડૉલરનો વધારો થયો હતો. એ પછી 22 માર્ચથી 6 એપ્રિલ સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 22 માર્ચના રોજ રાંધણગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરાયો હતો.જેના પગલે એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા થઈ હતી. સાથે જ જેટ ફ્યુઅલનો ભાવ પણ 1,13,202.33 રૂપિયા પ્રતિ કિલોલિટર સાથે અત્યાર સુધીનો સર્વાધિક થયો છે.

માર્ચમાં ડીલર્સે પેટ્રોલ-ડીઝલની રેકોર્ડબ્રેક ખરીદી કરી

ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધશે એ નક્કી હોવાથી માર્ચ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં મોટી સંખ્યામાં ડીલરોએ પેટ્રોલ-ડીઝલની ટેન્કો ફૂલ કરાવી લીધી હતી. આંકડાઓ અનુસાર માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલના વેચાણમાં 18 ટકા અને ડીઝલના વેચાણમાં 23.7 ટકાનો ધરખમ વધારો નોંધાયો હતો. આ વધારો છેલ્લાં 2 વર્ષમાં સૌથી વધુ હતો.